પૂજ્ય મોરારીબાપુના કુલ કથા ક્રમની ૯૬૮ મી રામકથા મુંબઈ નગરીમાં ઘાટકોપર ખાતે આયોજિત થઇ છે. રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજાનારી આ કથાના મનોરથી તરીકેનો સેવા લાભ, ઘાટકોપર વિસ્તારના ધારાસભ્ય શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ પરિવારને પ્રાપ્ત થયો છે. આદરણીય શ્રી પરાગભાઈ લોકપ્રિય જન પ્રતિનિધિ તરીકે મહારાષ્ટ્ર વિધાન સભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ પર્યાવરણ પ્રેમી, ધર્મ પ્રેમી અને દેશ ભક્ત વ્યક્તિ તરીકે સમાજમાં સન્માન ધરાવે છે.
વર્તમાન સમયમાં જ્યારે ગ્લોબલ વૉર્મીંગના કારણે વિશ્વ પરેશાન છે અને ભારતમાં પણ આ જ કારણસર ઋતુચક્ર ખોરવાયું છે, એવા સમયે દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષ ઉછેરવાનું મહા-અભિયાન સદ્ભાવના ટ્રસ્ટે હાથ ધર્યું છે. ઉપરાંત સમાજના નિરાધાર, બિમાર અને નિ:સઃતાન માવતરને નિ:શૂલ્ક આશ્રય અને સારવાર આપીને એમની સેવાનું બીડું ઝડપનાર સદ્ભાવના વૃદ્ધાશ્રમ માટે આ પૂર્વે પણ પૂજ્ય બાપુએ રાજકોટમાં “માનસ સદ્ભાવના” શિર્ષક અંતર્ગત કથા ગાન કર્યું છે.
“રાષ્ટ્ર દેવો ભવ” નું સૂત્ર આપનાર બાપુનો રાષ્ટ્ર પ્રેમ એમની કથાઓમાં પ્રકટતો રહે છે.
