ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ઓલ્ડ ટ્રેફર્ડ (માન્ચેસ્ટર) ખાતે ટેસ્ટ શ્રેણીની 4થી ટેસ્ટનો શુભારંભ થવા જઇ રહ્યો છે .ભારત અત્યારે શ્રેણીમાં 2-1થી પાછળ ચાલી રહ્યું છે.
લીડઝ ખાતેની પ્રથમ ટેસ્ટ ભારતે પાંચ વિકેટે ગુમાવ્યા બાદ બર્મિંગહામ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતે 336 રનના જંગી માર્જીનથી ઇંગ્લેન્ડને પરાજીત કરીને શ્રેણી 1-1થી લેવલ કરી હતી. ત્યારબાદ લોર્ડઝ ખાતેની ત્રીજી ટેસ્ટ અત્યંત રોમાંચક તબકકામાં સમાપ્ત થતા ભારત માત્ર રર રનના નજીવા માર્જીનથી હાર્યુ હતું. લોર્ડઝ ખાતેની ટેસ્ટ જીતવા ભારતે 193 રન કરવાના હતા. એક માત્ર રવિન્દ્ર જાડેજાએ બીજા દાવમાં અણનમ યોધ્ધાની માફક અડીખમ 62 રન બનાવીને ક્રિઝ પર વિજયની આકાંક્ષામાં ધૈર્ય પૂર્ણ રમત રમતો હતો અને એક તબકકે ભારતનો વિજય લગભગ નિશ્ચિત જણાતો હતો
પરંતુ જસપ્રિત બુમરાહ અને ત્યારબાદ કમનસીબે મોહમ્મદ સિરાઝ વિચિત્ર રીતે આઉટ થતા જાડેજાની મનોકામના ફળી નહીં અને ભારત માત્ર 22 રને હાર્યુ. જાડેજાની ધૈર્ય પૂર્ણ ઇનિંગ્ઝ ખરા અર્થમાં વર્ષો સુધી ભુલી શકાય તેમ નથી.
પરંતુ તે ટીમને વિજયી બનાવી ગયો હોત તો પરિસ્થિતિ કંઇક ઓર જ હોત. તેને સામે છેડે સાથ આપવા કોઇ રહ્યું નહીં અને તે અણનમ રહ્યો છે… છે ને નસીબની બલિહારી-ભારત લોર્ડઝ ટેસ્ટ બાદ શ્રેણીમાં હાલ તો પાછળ રહ્યું.
હજુ ભારત માટે શ્રેણી જીતવાની તક જરૂર છે, છેલ્લી બંને ટેસ્ટ ભારત જીતે તો તેમાંય માન્ચેસ્ટર ટેસ્ટ તો ભારત માટે ખુબ જ મહત્વની સાબિત થશે, ભારતે કેમેય કરીને આ ટેસ્ટ જીતવી ખુબ જ જરૂરી છે. જો ઇંગ્લેન્ડ જીતી ગયું તો ભારત શ્રેણી ગુમાવશે. શુભમન ગિલ, કે.એલ.રાહુલ તથા ખાસ તો યશસ્વી જયસ્વાલે મોટીે ઇનિંગ્ઝ રમવી જરૂરી થઇ પડશે. બુમરાહ પર ફરી સૌની નજર છે.
માન્ચેસ્ટરમાં ભારત આજ સુધી એક પણ ટેસ્ટ જીત્યુ નથી. ભારતીય ટીમ માટે આ સ્ટેડીયમ એક પડકાર બની રહેશે. ટીમ ઇન્ડિયાએ અહીં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ 1936માં રમી હતી, જે ડ્રો થઇ હતી. ભારતે અહીં કુલ 9 ટેસ્ટ રમી છે, જેમાંથી ચારમાં પરાજયનો સામનો કર્યો છે. જયારે પાંચ ટેસ્ટ ડ્રો થઇ છે.
માન્ચેસ્ટરમાં ભારતીય ટીમ 11 વર્ષના લાંબાગાળા બાદ ટેસ્ટ મેચનાં મુકાબલા માટે ઉતરશે. છેલ્લે ભારતે 2014માં અહીં ટેસ્ટ રમી હતી તે ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 1 દાવ અને 54 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમનો પ્રયત્ન અહીં ટેસ્ટ જીતીને નવો ઇતિહાસ સર્જવા પર રહેશે.
ખાસ કરીને જસપ્રિત બુમરાહ પાસે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ તેમની જ જમીન પર ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટો પૂરી કરવાની ઉતમ તક છે. બુમરાહે ઇંગ્લેન્ડમાં કુલ 11 ટેસ્ટ રમીને 49 વિકેટો ઝડપી છે. એક દાવમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 64 રનમાં 5 વિકેટનો છે અને એક ટેસ્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 110 રનમાં 9 વિકેટનું છે.
ભારતના બેટધરોએ ઇંગ્લેન્ડનાં ગોલંદાજોથી ખાસ સાવચેત રહેવું પડશે. છેલ્લે 2014માં રમાયેલી ટેસ્ટ ભારતે 1 દાવના માર્જીનથી ગુમાવી હતી. તે મેચમાં ભારતે 1 દાવમાં છ બેટધરો શૂન્ય રને ગુમાવ્યા હતા. પ્રથમ દાવમાં મુરલી વિજય, પુજારા, કોહલી, જાડેજા, ભુવનેશ્વર અને પંકજસિંહ શુન્ય પર આઉટ થયા હતા.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ગુલાબી દડાના ટેસ્ટમાં વિન્ડીઝનાં 7 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થતા તે રેકોર્ડને તોડયો હતો. આ વખતે પણ 2014 જેવી પરિસ્થિતિ બેટધરો માટે મુશ્કેલ જણાય છે. લીડઝ અને બર્નિંગહામમાં બેટધરો આસાન પીચ અને સારા વાતાવરણ વચ્ચે રમ્યા હતા. જયારે લોર્ડઝમાં સખ્ત ગરમીનો સામનો કર્યો હતો.
ભારતીય બેટધરોએ આ ટેસ્ટમાં લાંબી ઇનિંગ્ઝ રમવી જરૂરી છે. છેલ્લે 2014માં સચીને અહીં સદી ફટકારી હતી. 1990માં ઇંગ્લેન્ડમાં કારકિર્દીનો માત્ર બીજો ટેસ્ટ રમી રહેલા સચિને 4થા દાવમાં ટેસ્ટ કારર્કિદીની પ્રથમ સદી નોંધાવી હતી.
ઇંગ્લેન્ડનો સુકાની બેન સ્ટોક ગમે તેવી પરિસ્થિતિમાં ટીમનું સંતુલન જાળવી રાખવામાં માહિર છે, તેમાંય ડકેટ અને જો રૂટથી ભારતે ખાસ ચેતવા જેવું છે. ગોલંદાજીમાં ઇંગ્લેન્ડે લોર્ડઝમાં ચોથા દાવમાં જે કમાલ કરીને કદીયે ભુલી શકાય તેમ નથી, ટુંકમાં ભારતે માન્ચેસ્ટરમાં મસ્ત રમત રમીને ટેસ્ટ જીતવાની છે.
