દેશભરમાં ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયું છે. મીરા-ભાયંદર અને વસઈ-વિરાર પોલિસ કમિશ્નરેટની ક્રાઈમ બ્રાન્ચ ૩ ની ટીમે ખુલાસો કર્યો છે કે રાજસ્થાન સરહદ નજીક પાકિસ્તાનના એક નાના ગામમાંથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં કાર્યવાહી કરીને ૮ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા હતા. તે તપાસમાં આ ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
૧૧ સપ્ટેમ્બરના રોજ, વિરાર ક્રાઈમ બ્રાન્ચ સેલ 3 ની ટીમે ફદરવાડી રેન્જ નાકા રોડ પર શ્રીપાલ ટાવર પર છટકું ગોઠવ્યું હતું અને ત્રણ આરોપીઓ, સમુંદર સિંહ દેવરા (૪૯), યુવરાજ સિંહ રાઠોડ (૨૮) અને તકત સિંહ રાજપૂત (૩૮) ની ધરપકડ કરી હતી.
આરોપીઓ સામે વાલીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ૮ કરોડ ૪ લાખ ૪૦ હજાર રૂપિયાની કિંમતનું ૨ કિલો ૧૧ ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, આ ડ્રગ હેરફેરના મુખ્ય સૂત્રધારને રાજસ્થાનના સિરોહીથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીનું નામ હરિ સિંહ તેજ સિંહ રાવલોટી ભાટી (૫૫) છે. આરોપીઓ વિરુદ્ધ વાલીવ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે
ધરપકડ કરાયેલ આરોપી હરિ સિંહ ભારત-પાકિસ્તાન સરહદ નજીકના સતુ ગામમાં રહે છે. તેણે તપાસ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવી રહ્યા છે. આરોપી પાકિસ્તાનમાં ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં છે અને જેસલમેર સરહદ નજીકથી તેની દાણચોરી કરી રહ્યો હતો,
