બોગસ દસ્તાવેજો તૈયાર કરીને ૨૦ એકર જમીન વેચવાનો પ્રયાસ કરનારા ગુજરાતના ૩ આરોપીઓ પકડાયા

Latest News અપરાધ આરોગ્ય

મીરા રોડમાં આવેલી 20 એકર જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરીને કથિત રીતે વેચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ગુજરાતના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તેઓએ સમાન ટૂંકા નામનો લાભ ઉઠાવી મૃત્યુ પામેલા ગુજરાતી વ્યાવસાયિકના નામની જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના ભાવનગરમા રહેતા તેમજ પ્રોપર્ટી એજન્ટનો વ્યવસાય કરનાર ધર્મેશભાઈ કેશવજી શાહ, તેમજ અન્ય બે આરોપીઓ સૂરતના રહેવાસીઓ વિનુભાઈ પોપટભાઈ રવાની અને અમૃતભાઈ પ્રેમજીભાઈ રામાનીની કશીમીરા પોલિસે ધરપકડ કરી છે..
દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ ખાતે રહેતા મનીષ ધરનીધર શાહે નોંધાવેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે જુલાઈ, ૨૦૨૫માં ત્રણેય આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. બે મહિનાથી પોલીસ આરોપીઓની કોઈ ભાળ મળતી નહોતી.
ફરિયાદી મનીષ શાહે ફરિયાદમાં જણાવાયું છે કે ૧૯૯૪માં તેમનું નિધન થયેલ તેમના પિતા ધરનીધર ખીમચંદ શાહે ૧૯૭૮માં મીરા રોડમાં ૨૦ એકર ૩૫ ગૂંઠા જમીન ખરીદી હતી. જમીનના સાત બારા ઉતારા પર માલિક તરીકે ધરનીધર શાહનું નામ છે
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈના કોઈ એજન્ટ મારફત ભાવનગરના એજન્ટ ધર્મેશભાઈને આ જમીન સંબંધી માહિતી મળી હતી. ધર્મેશભાઈ કેશવજી શાહે પોતાના ટૂંકા નામ ડી. કે. શાહનો દુરુપયોગ કરી ધરનીધર ખીમચંદ શાહ (ડી. કે. શાહ)ની જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મીરા રોડની જમીનના બોગસ ઓથોરિટી લેટર અને અન્ય બનાવટી દસ્તાવેજો બનાવીને સ્પેશિયલ પાવર ઑફ એટર્ની દ્વારા સુરતના વિનુભાઈ અને અમૃતભાઈને જમીન વેચી હોવાનું દર્શાવતું એગ્રિમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે આરોપીઓને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. લાલચમાં આવી મીરા રોડના પેન્કર પાડા ખાતે પહોંચેલા ત્રણેય આરોપીને પોલીસે તાબામાં લીધા હતા. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *