ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ..

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.

અમદાવાદના રહીશ રમણલાલ ઈશ્વરલાલના ભળતા નામે ધારાસભ્ય રમણ વોરાએ ખેડૂત ખરાઇનો દાખલો મેળવ્યો છે. ખોટા ખેડૂત ખાતેદાર બની રમણ વોરાએ ગાંધીનગરના પાલેજ ખાતે લાખો રૂપિયામાં ખેતીની જમીનો ખરીદી હતી. આ જ ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક આવેલાં દાવડ ગામમાં પણ પત્ની કુસુમબેન વોરા, પુત્ર સુહાગ વોરા અને ભૂષણ વોરાના નામે ખેતીની જમીનો ખરીદી હતી.

જોકે, રમણ વોરા અને તેમના પત્ની-પુત્રોએ ગાંધીનગર-પાલેજના રહીશ દર્શાવી વિરપુર અને જાદરના એક વ્યક્તિને આ ખેતીની જમીનો વેચી દેવાઈ છે. આ મામલે જેતપુર વડાલી કંપાના રહીશ રાજેન્દ્ર પટેલે ઇડર મામલતદારને ફરિયાદ કરી ભાજપના ધારાસભ્યની જમીનના પુરાવા માંગ્યા હતા. આમ છતાંય રાજકીય દબાણને પગલે મામલતદાર એ.એ.રાવલે પુરાવા આપ્યા ન હતા. જેના પગલે રાજ્ય મહેસૂલ વિભાગે મામલતદાર સામે તપાસ હાથ ધરીને બદલી કરી દીધી હતી.

આખરે અરજદારે ઇડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા ચિમકી આપી હતી જેથી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. ગાંધીનગરથી આદેશ છૂટતા ઇડર મામલતદારે ધારાસભ્ય વિરુધ્ધ કાર્યવાહી કરી છે. ઇડર મામલતદાર કચેરીએ ધારાસભ્ય રમણ વોરાને નોટીસ ફટકારી ખેડૂત ખાતેદારના પુરાવા ઉપરાંત જમીનના દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. ખેડૂત ખાતેદારનો દાખલો ખોટો સાબિત થતાં ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ગણોતધારા અંતર્ગત કાર્યવાહી જ નહીં, દંડ ફટકારાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *