જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત પુષ્કળ વરસાદ, બ્રિજ ધરાશાયી, અનેક રસ્તા બંધ

Latest News આરોગ્ય કાયદો દેશ

 જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં 190.4 મીમી વરસાદ સાથે ઓગસ્ટ મહિનાનો છેલ્લા 100 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 5 ઓગસ્ટ, 1926માં સૌથી વધુ 228.6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 11 ઓગસ્ટ, 2022માં 189.6 મીમી વરસાદ વરસ્યો હતો.

જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. નદી-નાળા છલકાઈ જતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાનીપુર, રૂપ નગર, તાલાબ ટિલ્લુ, જ્વેલ ચોક, ન્યૂ પ્લોટ તથા સંજય નગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ડઝનથી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે.

27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 27 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભુસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઈઝરી જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ આપ્યો છે. રાતભર ભારે વરસાદના કારણે જમ્મુના પઠાણકોટમાં નેશનલ હાઈવે પર સ્થિત એક બ્રિજને નુકસાન થયુ છે.

પૂરમાં વિદ્યાર્થીઓ ફસાયા

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જમ્મુમાં સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટેગ્રેટિવ મેડિસિન (IIIM)ના ઓછામાં ઓછા 45 વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતા. હોસ્ટેલ કેમ્પસનું ગ્રાઉન્ડ ફ્લોર પૂરના કારણે પાણીમાં ડૂબી ગયુ હતું. આ વિદ્યાર્થીઓને પોલીસ અને એસડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આશરે સાત ફૂટથી વધુ પાણી ભરાયુ હતું. એસડીઆરએફ અને પોલીસે નાવડીઓની મદદથી લગભગ પાંચ કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદના કારણે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.

તમામ વિભાગ એલર્ટ મોડ પર

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લાહે 27 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ, આભ ફાટવાની, અચાનક પૂર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખ્લનની સંભાવના સહિતની હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપવાં તેમજ લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે, જમ્મુ-કાશ્મીરમાં નદીઓ જોખમી સ્તરે વહી રહી છે.

અનેક રસ્તાઓ બંધ

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. 250 કીમી લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તેમજ 434 કિમી લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પરિવહન માટે ખુલ્લો છે. જમ્મુમાં પૂંછ તથા રાજોરીને દક્ષિણ કાશ્મીરના શોપિયાનને જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ તથા ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિંથન રોડ ભૂસ્ખલનના કારણે બંધ છે. કઠુઆમાં ભારે વરસાદના કારણે સહાર ખાદ નાળામાં પાણી ભરાઈ ગયુ છે. જેથી જમ્મુ-પઠાણકોટ હાઈવે પર આવેલો એક બ્રિજ તૂટી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *