મેટાની એઆઈ ચેટબોટ વિવાદોમાં ઘેરાઈ, અમેરિકી સાંસદોનો તપાસનો આદેશ

Latest News અપરાધ કાયદો દેશ
 આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના વધતા ઉપયોગ વચ્ચે મેટાની એઆઈ ચેટબોટ વિવાદોમાં સપડાઈ છે. વાસ્તવમાં, તાજેતરમાં મેટાએ ૨૦૦ પાનાંની એક નીતિ જાહેર કરી હતી, જેમાં તેના એઆઈ ટૂલ ખોટી જાણકારી આપવા ઉપરાંત બાળકો સાથે રોમેન્ટિક અને સંવેદનશીલ ચેટ કરવા સક્ષમ હોવાનો સ્વીકાર કરાયો હતો. આ ખુલાસા પછી અમેરિકી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકી સાંસદ જોશ હોલીએ મેટાની સામે તપાસનો આદેશ આપ્યો છે. સાંસદ માર્શા બ્લૈકબર્ને પણ આ તપાસનું સમર્થન કર્યું છે.

રોઈટર્સના એક અહેવાલ અનુસાર મેટાના બોસ પાનાંના આંતરિક નીતિ દસ્તાવેજમાં ચેટબોટને બાળકો સાથે રોમેન્ટિક વાર્તાલાપ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મેટાએ રોઈટર્સના અહેવાલ પછી દસ્તાવેજની પ્રામાણિકતાની તો પુષ્ટિ કરી પણ સાથે તેના વલણનો બચાવ કરતા દાવો કર્યો કે તેણે ચેટબોટના પ્રતિસાદોને આદર્શ નથી ગણાવ્યા. જોકે, રોઇટર્સને ચિંતાજનક ઉદાહરણો મળ્યા, જેમાં એક ચેટબોટે આઠ વર્ષના શર્ટ વિનાના બાળકને કહ્યું હતું કે તારુ પ્રત્યેક અવયવ ઉત્કૃષ્ટ છે, જે હું ખૂબ જ પસંદ કરું છું. જો કે મેટાએ રોઈટર્સ તરફથી પ્રશ્નો મળ્યા પછી બાળકો સાથે અશ્લીલ વાતો કરવાની છૂટ આપી હતી તેવા ભાગોને દૂર કર્યા હતા.

સેનેટર જોશ હોલીએ મેટાની ટીકા કરતા કહ્યું કે કંપનીએ રોઈટર્સની પૂછપરછ પછી જ નીતિના વાંધાજનક હિસ્સા કાઢી નાખ્યા હતા. તેમણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને પૂછ્યું છે કે શું એઆઈ બાળકોને આપરાધિક ગતિવિધિઓ, છેતરપિંડી અને અનુચિત વાર્તાવાપ માટે લલચાવી રહ્યું છે? એવી જ રીતે સેનેટર માર્શા બ્લેકબર્ને કિડ્સ ઓનલાઈન સેફ્ટી એક્ટ (કોસા)માં પોતાની સહ-ભાગીદારીને ટાંકીને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સખત પગલાને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોસા ગયા વર્ષે સેનેટમાં પસાર થઈ ગયું હતું પણ પ્રતિનિધિઓના ગૃહમાં તેને છેલ્લા એક વર્ષથી અટકાવી દેવામાં આવ્યંં છે.

મેટાના એઆઈ ચેટબોટ પર આરોપ છે કે તે મેડિકલ સંબંધિત ખોટી જાણકારી આપે છે અને જાતીય ભેદભાવને પણ પ્રોત્સાહન આપે છે. આ વિવાદ વચ્ચે લોકપ્રિય ગાયક નીલ યંગે ફેસબૂક છોડી દેવાની જાહેરાત કરી છે. વધતા વિરોધ વચ્ચે હવે મેટા અને તેના માલિક માર્ક ઝુકરબર્ગ પર સતત દબાણ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *