અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું…

Latest News આરોગ્ય કાયદો દેશ

ઉત્તર ભારતમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી ઘટનાઓમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક નેશનલ હાઇવે બંધ રાખવા પડયા હતા. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી.

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી, જેને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને ૨૦થી વધુ વાહનો દટાઇ ગયા હતા. રાજધાની દિલ્હીમાં પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ લાઇન વિસ્તારમાં નિર્માણ પામી રહેલી એક ઇમારતની દિવાલ તુટી પડી હતી જેને કારણે એક ૪૦ વર્ષીય મહિલા અને તેના પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા.  સૌથી ખરાબ પરિસ્થિતિ હિમાચલ પ્રદેશની જોવા મળી રહી છે. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા અનેક લોકો પાણીમાં તણાયા છે જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

ડીસીપી અપૂર્વા દેવગને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૫થી ૨૦ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. માત્ર મંડી વિસ્તારમાં જ આવેલા ૨૬૯ રોડ બ્લોક કરી દેવાયા હતા. જેમાં ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવેનો પણ સમાવેશ થાય છે. મંડી અને મનાલી વચ્ચે બહુ જ મોટી સંખ્યામાં પર્યટકો ફસાયા હતા. રાજસ્થાનમાં પણ ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી જેને પગલે પ્રશાસને અનેક ડેમના દરવાજા ખોલવા પડયા હતા. કોટા, બંુદી, ઝાલાવાડ, ધોલપુર અને ટોંક વિસ્તારોમાં નદીઓએ ભયજનક સપાટી વટાવી હતી. રાજસ્થાનમાં સામાન્ય કરતા ૮૫ ટકા વધુ વરસાદ નોંધાયો છે, સામાન્ય રીતે રાજસ્થાનમાં જૂન-જુલાઇમાં ૨૦૨ મીમી વરસાદ પડતો હોય છે તેના બદલે આ વખતે ૩૭૪ મીમી વરસાદ પડયો છે. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *