ભીક્ષાવૃત્તિના બહાને જઇ દુકાનધારક કે ઓફિસધારકની નજર ચૂકવી ડ્રોઅરમાંથી પૈસા તફડાવી લેતી સપના ચાડમિયા (ઉ.વ. 24, રહે. કાલાવડ)ને એલસીબી ઝોન-1ના સ્ટાફે ઝડપી લીધી છે. તેણે પિતા બચુ ઉર્ફે જાડા સાથે મળી પાંચેક સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેના પિતા હાથમાં નહીં આવતાં તેની પોલીસે શોધખોળ જારી રાખી છે.
સરધાર ગામે દુકાન ધરાવતા વેપારી અડધુ શટર બંધ કરી કોઇ કામે ગયા બાદ પાછળથી તેના અડધા બંધ શટરમાંથી હાથ નાખી, કોઇએ રૂ. 2.25 લાખની ચોરી કરી હતી. જે અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. એલસીબી ઝોન-1ના સ્ટાફે પણ તપાસમાં ઝૂકાવ્યું હતું. જે દરમિયાન એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીરે મળેલી માહિતીના આધારે સપનાને ઝડપી લીધી હતી. જેણે સરધારની દુકાનમાંથી ચોરી કબૂલી હતી.
આ ઉપરાંત તેણે પિતા બચુ ઉર્ફે જાડા સાથે મળી સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલી દુકાનમાંથી, નવાગામે મેંગો માર્કેટમાં આવેલી ઓફિસમાંથી રૂ. 30,000 ની, શાપરમાં ચપ્પલની દુકાનમાંથી રૂ. 1.50 લાખની અને શાપરમાં જ આવેલા ગેરેજમાંથી રૂ. 20,000ની ચોરી કબૂલી હતી.
એલસીબી ઝોન-1ના સ્ટાફે તેની પાસેથી રૂ. 1.74 લાખની રોકડ કબજે કરી હતી. પોલીસે જણાવ્યું કે સપનાને પ્રસુતિ વખતે આંચકી આવી જતાં હવે તેનું બેલેન્સ રહેતું નથી. ચહેરો પણ ત્રાંસો થઇ ગયો છે. આમ છતાં તે પિતા સાથે મળી ચોરી કરતી હતી. વાળ વીણવાના બહાને બજાર વિસ્તારમાં જઇ વેપારી પાસે ભીક્ષા માંગતી હતી. તે દરમિયાન ગલ્લામાં કે ડ્રોઅરમાં કેટલા પૈસા છે તે જોઇ લેતી હતી. મોકો મળે તે સાથે જ તે પૈસા તફડાવી લેતી હતી. તેના પિતા તેને લઇ બજાર વિસ્તારમાં જતાં, પોતે કારમાં દૂર ઉભા રહી જતા, તે ચોરી કરી આવે તે સાથે જ તેને કારમાં બેસાડી સ્થળ પરથી રવાના થઇ જતાં હતાં.
