ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફેક એમ્બેસી ચલાવવાના આરોપમાં ઝડપાયેલા હર્ષવર્ધન જૈનના કેસમાં નોઈડા એસટીએફ રોજ નવા ખુલાસાઓ કરી રહી છે. એસટીએફના અધિકારીઓના જણાવ્યા મુજબ, હર્ષવર્ધનના કવિનગર, બી-35 સ્થિત ભાડાના બંગલામાંથી મળેલા દસ્તાવેજોની તપાસમાં ખુલાસો થયો છે કે તેણે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં અનેક કંપનીઓ રજિસ્ટર કરાવી હતી.
અત્યાર સુધીમાં 25થી વધુ શેલ કંપનીઓ અને બેંક ખાતાઓની માહિતી સામે આવી છે. હર્ષવર્ધનના વિદેશમાં અનેક બેંક ખાતાઓ પણ મળ્યા છે, અને તેણે 2005થી 2015ના 10 વર્ષમાં 162 વિદેશ યાત્રાઓ કરી હતી. પોલીસ હવે હર્ષવર્ધનને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે, અને તેની કસ્ટડી રિમાન્ડની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી સોમવારે થશે.એસટીએફ રૂ.300 કરોડથી વધુના લોન સ્કેમની તપાસ કરી રહી છે.
જેમાં હર્ષવર્ધનની સંડોવણી સામે આવી છે. આ સ્કેમ વિદેશમાં લોન અપાવવાના નામે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય કેટલાક સ્કેમની પણ તપાસ ચાલી રહી છે. નોઈડા એસટીએફનો દાવો છે કે હર્ષવર્ધન હવાલા અને લાયઝનિંગના કારોબારમાં પણ સક્રિય હતો.હર્ષવર્ધનની મુલાકાત વિવાદાસ્પદ ગોડમેન ચંદ્રાસ્વામીએ સાઉદી આર્મ્સ ડીલર અદનાન ખશોગી અને લંડનમાં રહેતા એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી.
એહસાન અલી સૈયદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો, પરંતુ તેણે પાછળથી તર્કીની નાગરિકતા લીધી હતી. ચંદ્રાસ્વામીએ જ હર્ષવર્ધનને લંડન મોકલ્યો, જ્યાં તેઓએ મળીને અનેક શેલ કંપનીઓ બનાવી.હર્ષવર્ધન અને એહસાન અલી સૈયદે સ્વિટ્ઝરલેન્ડમાં આર્થિક સંકટનો સામનો કરતી કંપનીઓને લોન અપાવવાનું લાલચ આપીને રૂ.300 કરોડની ઠગાઈ કરી.
એહસાને આ બહાને 25 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ.300 કરોડ) એકત્ર કર્યા અને સ્વિટ્ઝરલેન્ડ છોડી દીધું. હાલમાં તે દુબઈમાં રહે છે અને 2022માં લંડનમાં તેની ધરપકડ થઈ હતી.
