’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

Latest News આરોગ્ય કાયદો દેશ

સંસદના ચોમાસુ સત્રના શરુઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન(SIR)નો વિરોધ કર્યો. ત્યારે આજે (28 જુલાઈ) સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા બોર્ડર પાર આતંકવાદને ભારતનો જવાબ ઓપરેશન સિંદૂર સુધી મર્યાદિત નહીં રહે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પ્રતિબંધ યથાવત્ રહેશે.’

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અધિકાર છે. પાકિસ્તાન સુરક્ષા કાઉન્સિલનું સભ્ય છે અમે નથી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન અંગે જણાવ્યું કે જ્યારે તેઓએ રેડ લાઇનને ક્રોસ કરી ત્યારે અમારે આકરા પગલાં ભરવા પડ્યા.’

એસ. જયશંકરે કહ્યું કે, ‘ભારતે પાકિસ્તાનને આખી દુનિયામાં ઉઘાડું પાડી દીધું છે. UNમાં સામેલ 193 દેશોમાંથી માત્ર ત્રણ દેશ હતા જેમણે ઓપરેશન સિંદૂરનું સમર્થન નહોતું કર્યું. બાકીના દેશોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું સમર્થન કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દ્વિપક્ષીય મામલો હતો. કોઈ અન્ય દેશની દખલથી ઓપરેશન સિંદૂર રોકવામાં નથી આવ્યું, પરંતુ DGMOના સ્તર પર પાકિસ્તાને જ પહેલ કરીને ઓપરેશન સિંદૂર રોકવાની અપીલ કરી હતી.’

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ’22 એપ્રિલથી 17 જૂન સુધી વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત નથી થઈ. 9 મેના રોજ અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન કોઈ હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.’

વિદેશ નીતિ પર વિપક્ષના સવાલોનો જવાબ આપતાં કહ્યું કે, ‘સરકારની વિદેશ નીતિના કારણે જ અમેરિકાએ TRFને આતંકવાદીઓની યાદીમાં નાખી દીધું છે. 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા જો અમેરિકાથી ભારત આવી ગયો છે તો તે વિદેશ નીતિના કારણે જ શક્ય બન્યું છે.’

જયશંકરે કહ્યું કે, ‘પડકાર એ હતો કે પાકિસ્તાન સિક્યુરિટી કાઉન્સિલનું સભ્ય છે. સિક્યુરિટી કાઉન્સિલમાં આપણું લક્ષ્ય હતું કે આ હુમલામાં જે લોકોના જીવ ગયા છે, તેમના પરિવારોને ન્યાય મળે. 22 એપ્રિલે સુરક્ષા પરિષદે કહ્યું હતું કે, તમામ સભ્ય આતંકવાદી હુમલાની નિંદા કરે છે. આ પ્રકારના આતંકવાદી હુમલા આખી દુનિયાની શાંતિ માટે ખતરો છે. જે લોકો પણ આ હુમલા માટે જવાબદાર છે, તેમને ઉઘાડા પાડવા જરૂરી છે.’

એસ. જયશંકરે 26/11ના હુમલાનો કર્યો ઉલ્લેખ

જયશંકરે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘વિપક્ષે અમને પૂછ્યું કે ઓપરેશન સિંદૂર શા માટે બંધ કરી દીધું. તમે જુઓ આ સવાલ કોણ પૂછી રહ્યું છે. 26/11 હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું હતું કે, સૈન્ય સ્તર પર તેનો જવાબ ન આપવો જોઈએ. પરંતુ તમે તે પણ ન કર્યું. નવેમ્બર 2008માં હુમલો થયો તો પછી ભારતની તત્કાલીન સરકાર અને પાકિસ્તાનની સરકાર તેના પર વાતચીત માટે તૈયાર થઈ કે આતંકવાદ બંને માટે પડકાર છે. તમારી પોતાની સરકાર કહી રહી હતી કે આતંકવાદ બંને દેશો માટે ખતરનાક છે. યુપીએ સરકારે બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યો. શું બલુચિસ્તાન અને ભારતના આતંકવાદી હુમલાની સરખામણી કરી શકાય છે? જુલાઈ 2006માં મુંબઈમાં ટ્રેનમાં વિસ્ફોટ થયો. તેના ત્રણ મહિના બાદ જ બંને દેશોમાં વાતચીતને ફરીથી શરુ કરવા પર સહમતિ બની ગઈ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *