પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

Latest News અપરાધ કાયદો દેશ

વસઈમાં સાવકા પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. કાનૂની કાર્યવાહીથી પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ સાફ કરી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વસઈના ગોખિવરેમાં ભાટપાડા ખાતે શનિવારની સવારે બની હતી. બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી આર્શિયા ખુસરુ (૬૧)ની દીવાલ સાથે માથું પટકીને અને લાત મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે વસઈ પોલીસે સોમવારે આર્શિયાના સાવકા પુત્ર મોહમ્મદ ઈમરાન ખુસરુ (૩૨) અને તેના પિતા મોહમ્મદ અમીર ખુસરુ (૬૫)ની ધરપકડ કરી હતી.
વસઈના કબ્રસ્તાનમાં દાટવામાં આવેલ આર્શિયાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીને મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં અમીરે પોલીસને જણાવ્યું હતું કે આર્શિયા તેની બીજી પત્ની હતી. પગ લપસવાને કારણે જમીન પર પટકાવાથી આર્શિયાએ જીવ ગુમાવ્યો હતો અને સગાંસંબંધીઓની હાજરીમાં તેની અંતિમ ક્રિયા પાર પાડવામાં આવી હતી.

પોલીસને શંકા જતા બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં અમીરનો પુત્ર ઈમરાન ઘટનાની સવારે ચિંતાગ્રસ્ત હાલતમા ઘરમાંથી વારંવાર અંદર-બહાર કરતો હોવાનું દેખાયું હતું. શંકાને આધારે તાબામાં લઈ પોલીસે આકરી પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ઈમરાનને ઑનલાઈન ગેમ રમવાની લત હતી. ગેમ રમવા તેને રૂપિયાની જરૂર હતી. આ માટે તેણે સાવકી માતા આર્શિયા પાસે નાણાં માગ્યાં હતાં. આર્શિયાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં ગુસ્સામાં ઈમરાને તેની હત્યા કરી હતી. ત્યાર બાદ બેડરૂમના કબાટમાંથી સોનાની બે બંગડી અને એક ચેઈન ચોરી ત્યાંથી રવાના થઈ ગયો હતો.

આ બાબતની જાણ ઈમરાનના પિતા અમીરને હતી. તેણે ઘરમાંથી લોહીના ડાઘ લૂંછી નાખ્યા હતા અને નજીકના ડૉક્ટર પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ કામમાં અમીરના ભાઈએ મદદ કરી હતી. પરિણામે પોલીસે અમીરના ભાઈ અને ડૉક્ટરને તાબામાં લઈ તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *