રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નરાધમ ચોકીદારે તેની ૧૨ વર્ષની ફૂલ જેવી પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી તેના કુમળા શરીર સાથે અડપલા કરતો હતો. આખરે તેની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. તે સાથે જ ઘરેથી ભાગી ગયો હતો. ખુદ તેની પત્નીએ તેની સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે જણાવ્યું કે ગઇ તા. ૨૫ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે નરાધમ ચોકીદાર તેની પુત્રીના શરીર સાથે અડપલા કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની જોઇ જતાં રોષે ભરાઇ હતી. તેણે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. સાથોસાથ સગા-સંબંધીઓને બોલાવતાં પરિસ્થિતિ પામી જઇ ઘરેથી ભાગી ગયો હતો.
ત્યાર પછી તેની પત્નીએ પુત્રીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છએક માસથી તેનો પિતા તેના શરીર સાથે અડપલા કરતો હતો. એટલું જ નહીં છ માસ પહેલા તેની ઉપર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. પરંતુ પુત્રી ડરી જતાં કોઇને આ વાત કરી ન હતી.
આખરે મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. આરોપી પિતા જ હોવાથી કાંઇ કાચુ ન કપાય તે માટે પોલીસે ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરી હતી. જેમાં પિતાના કરતૂતો બહાર આવતાં આખરે ગઇકાલે રાત્રે પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી તેના પતિ સામે ગુનો દાખલ કર્યો હતો.
ભોગ બનનાર બાળકી બે બહેન અને એક ભાઇમાં વચેટ છે. તાલુકા પોલીસે નરાધમ પિતાની શોધખોળ શરૂ કરી છે.
