ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા રાજપરા (જૂના) ગામેથી હૃદયદ્રાવક અને અરેરાટી ઉપજાવતી ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારની પરિણીતાએ પોતાની માત્ર ચાર મહિનાની વ્હાલસોયી દીકરી સાથે અગ્નિસ્નાન કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલા માતા અને પુત્રી બંનેને તત્કાલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા હતા.
બનાવ અંગે પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તળાજાના જૂના રાજપરા ગામે રહેતા અરવિંદભાઈ નાથાભાઈ ભાલિયાના પત્નિ દક્ષાબેન (ઉં.વ.૨૬) એ આજે સવારે આશરે ૮.૩૦ વાગ્યાના સુમારે પોતાની બે પુત્રીઓ પૈકીની નાની ૪ માસની દીકરી ત્રીશાને સાથે રાખીને શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના બની ત્યારે તેમના પતિ અરવિંદભાઈ ઘરની બહાર શેરીમાં બેઠા હતા, જ્યારે તેમના સાસુ નજીકમાં જ એક મરણોત્તર વિધિમાં ગયા હતા. ઘટનાને પગલે ગંભીર હાલતમાં માતા-પુત્રીને તાત્કાલિક ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક દક્ષાબેનનું પિયર ગોપનાથ છે,
પરંતુ તેમનો પરિવાર લાંબા સમયથી રાજપરા ગામમાં જ સ્થાયી થયેલો હોવાથી ગામમાં જ તેમનું સાસરું અને પિયર હતા. આ કરુણ ઘટના મામલે મહિલાના મોસાળ પક્ષ કે પિયર પક્ષના લોકો દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા નથી. દાઢા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે. ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે અને ભાવનગર ખાતે મૃતકોનું પીએમ કરાવવામાં આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઘટનાની અગાઉની રાત્રે જ ઘરે મહેમાનો આવ્યા હતા અને સવારે દક્ષાબેને બધા માટે ઉત્સાહપૂર્વક ભોજન પણ બનાવ્યું હતું. તે સમયે પરિવારના કોઈ સભ્યને આવી ઘટનાનો સહેજ પણ અણસાર આવ્યો ન હતો. લગ્નના પાંચ વર્ષના સુખી ગાળામાં બે દીકરીઓની માતા બનેલી પરિણીતાએ અચાનક કયા કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.
