ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સરકારે રાજ્યની સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સ્કૂલોમાં ચોમાસા દરમિયાન કે પૂર-ભારે વરસાદની સ્થિતિમાં આચાર્ય શિક્ષકોને મુખ્ય મથક ન છોડવા આદેશ કરાયો છે.
ચોમાસા દરમિયાન સ્કૂલમાં કે બાળકો સાથે કોઈ પણ દૂર્ઘટના ન બને તે માટે સ્કૂલ શિક્ષણ વિભાગે આગમચેતીના પગલારૂપે પરિપત્ર કરીને સ્કૂલોને વરસાદ પહેલા લટકતા વાયરો સહિતનું ઈલેક્ટ્રિક કામ તેમજ દિવાલ કે છતમાં જરૂર લાગે ત્યાં સમારકામ કરવા સહિતનું જરૂરી તમામ કામ પુરુ કરવા અને જરૂર પડે સ્થાનિક તંત્રની મદદ લેવા માટે પણ સૂચના અપાઈ છે. સ્કૂલોને આ ઉપરાંત છત પરના વોટર સ્પાઉટ સાફ કરવા, જૂનું ફર્નિચર ખસેડવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સફાઈ કરી લેવા તેમજ એમસીબી-એલસીબી કાર્યરત રાખવા આદેશ કરાયો છે.
જરૂર જણાય ત્યાં કેમ્પસમાં ભયજનક લખાણ સાથેના બોર્ડ લગાવવાના રહેશે. વધુમાં અન્ડરગ્રાઉન્ડ પાણી ટાંકી પણ લોક મારીને બંધ રાખવી. જેથી દૂર્ઘટના ન બને. સ્કૂલોને સરકારે ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન માટે દરેક સ્કૂલને સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા અને નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા તથા ફાયરબ્રિગેડ સેવા સહિતના જરૂરી નંબરો અને એમ્બ્યુલન્સના નંબરો લખવા પણ તાકીદ કરવામાં આવી છે.
