પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત્યા!

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ પર મોડી રાત્રે કેટરિંગના ધંધાની અદાવતમાં એક વેપારીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાવપુરા પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ વડોદરાના વડસર રોડ પર આવેલી સમર્પણ સોસાયટીમાં રહેતા બાબુસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તે કાકા સાહેબના ટેકરા ખાતેથી પોતાનો કેટરિંગનો ધંધો ચલાવતા હતા. મૃતકની પત્ની રૂપાબહેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 28મી મેના રોજ સાંજે આશરે છ વાગ્યે બાબુસિંહ તેમના મુસ્લિમ મિત્રોને ઈદ મુબારક કહેવા માટે ઘરેથી નીકળ્યા હતા.

મૃતકની પત્ની રૂપાબહેને જણાવ્યું હતું કે, ‘રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ મે મારા પતિનો સંપર્ક કરવા ફોન કર્યો હતો. ત્યારે પતિ જણાવ્યું હતું કે, હું પ્રતાપ રોડ પર સંસ્થા વસાહત સામે રહેતા હિરેન ઠક્કર સાથે જમવા આવ્યો છું. કેટરિંગના ધંધા બાબતે અત્યારે અમારી વચ્ચે બોલાચાલી થઈ છે, તું ફોન મૂકી દે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો.’

આ ફોન કોલના થોડા સમય બાદ, એટલે કે રાત્રે આશરે 1:30 વાગ્યે રૂપાબહેને સમાચાર મળ્યા કે દાંડિયા બજાર વિસ્તારમાં કાકા સાહેબના ટેકરા પાસે બાબુસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત હાલતમાં તેમની જ કારમાં પડ્યા છે. પરિવારજનો જ્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે બાબુસિંહની કાર રોડ સાઈડની સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયેલી હાલતમાં ઊભી હતી. કારની અંદર ડ્રાઇવિંગ સીટ પર બાબુસિંહ લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યા હતા. તેમની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકવામાં આવ્યા હોવાના સ્પષ્ટ નિશાન મળી આવ્યા હતા.

મૃતક વેપારીની પત્નીએ સીધો આક્ષેપ કર્યો છે કે કેટરિંગના ધંધાની જૂની અદાવત અને રાત્રે થયેલી ઉગ્ર બોલાચાલીમાં જ હિરેન ઠક્કરે તેમના પતિની હત્યા કરી નાખી છે. ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માતનું રૂપ આપવા માટે કારને થાંભલા સાથે ભટકાવી દેવામાં આવી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

રાવપુરા પોલીસે ગુનો નોંધીને આરોપી હિરેન ઠક્કરની અટકાયત કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, ઘટનાસ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ. (FSL) અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની મદદ લેવામાં આવી રહી છે. આ મામલે હિરેન સિવાય અન્ય કોઈ શખસો સામેલ હતા કે કેમ, તે જાણવા માટે પોલીસ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ (CDR) પણ ખંખોરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...