સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું

Latest News ગુજરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ તેનું બીજું અને અત્યાર સુધીનું સૌથી મહત્વાકાંક્ષી બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગૌવ્હાણે દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૃ.૭૫૭ કરોડનું બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના રૃ. ૭૫૧ કરોડના બજેટમાં સાધારણ વધારો કરી આ વર્ષે શહેરના માળખાગત વિકાસ અને જનસુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગરને અમદાવાદ જેવી મેટ્રો સિટીની સુવિધાઓથી સજ્જ કરવાનો છે.

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે સૌથી વધુ રૃ. ૯૯ કરોડનો ખર્ચ માત્ર રોડ-રસ્તા પાછળ કરવામાં આવશે. જેમાં આઇકોનિક રોડ, રસ્તાનું રિસરફેસિંગ અને ફૂટપાથ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરમાં નવા ઉમેરાયેલા ૫ ગામોના વિકાસ માટે ખાસ રૃ. ૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી આયોજનને વેગ આપવા માટે ૩૦ વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત ૧૭ નવી ટીપી (ટાઉન પ્લાનિંગ) સ્કીમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

પીવાના પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વોટર પ્રોજેક્ટ અંતર્ગત રૃ. ૫૦ કરોડ અને ડ્રેનેજ નેટવર્ક માટે રૃ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેનિટેશન માટે રૃ. ૪૦ કરોડની જોગવાઈ કરાઈ છે. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નવી પાંજરાપોળ માટે રૃ. ૪ કરોડ ખર્ચાશે. આ બજેટની ખાસિયત એ છે કે, પ્રથમ વખત ભૂંડ અને સ્વાન પકડવા માટે અલગથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.