ચકલીઓનો કલરવ, શહેરો છોડી ગામડાં તરફ ઉડાન ભરી

Latest News ગુજરાત

વિકાસની દોટમાં ચકલીની ચીંચીં સંભળાતી લગભગ બંધ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં હજુ ચકલી જોવા મળે છે, પરંતુ ચકલીને રહેવા કે જીવવા લાયક વાતાવરણ નથી તેથી ચકલીઓ હવે ગામડા તરફ જઈ રહી છે.

આજે (20 માર્ચ)ના રોજ ચકલી દિવસ ઉજવવામાં આવશે આ દિવસે કેટલાક સેવાભાવી લોકો ચકલીના માળાનું પણ વિતરણ કરે છે. તેનો આ પ્રયાસ સારો છે, પરંતુ ચકલીના રહેઠાણ સાથે સાથે જીવવા લાયક વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. આ અંગે પર્યાવરણ અંગે કામ કરતા દર્શન દેસાઈ કહે છે,  જેવી રીતે શાંત સ્વભાવ લોકો કુદરત સાથે હળીમળીને રહેતા હોય પરંતુ શહેરમાં તેઓ માટે જીવવું મુશ્કેલ બની જાય છે તેવી તેના લાયક જગ્યા રહેતી નથી  તેથી તેઓ ગામડા કે અન્ય જગ્યાએ શાંતિ મળે ત્યાં જતા રહે છે ચકલીને રહેવા કે જીવવા લાયક જગ્યા હવે શહેરમાં રહી નથી અને ગામડા તરફ સ્થળાંતર કરી રહી છે.

ચકલીનું રહેઠાણ હોય તેવી જગ્યાની આસપાસ પાણીનો સ્ત્રોત, ધૂળ વાળી જગ્યા, નાના છોડ, કાંટાવાળા છોડ, ઘાંસના તણખલા જેવી વસ્તુ હોવી જરૂરી છે. ચકલીના પીંછાની એવી રચના હોય છે તેથી તેઓ ધૂળ વાળી જગ્યામાં આળોટે છે તેને ડસ્ટ બાથ કહેવામાં આવે છે. તેના પીંછા સફાઈ માટે ડસ્ટ બાથ જરુરી છે. પરંતુ સુરતમાં સીસી રોડ અને ડામર રોડ હોવાથી ધૂળ વાળી જગ્યા ભાગ્યે જ જોવા મળે છે. આ ઉપરાંત માળા બનાવવા માટે ઘાસના તણખલા અને કાંટાવાળા નાના છોડમાંથી મળતો ખોરાક પણ મળતો નથી, જેના કારણે હવે શહેરમાં ચકલીને જીવવા લાયક વાતાવરણ રહ્યું નથી.

ચકલીના રહેઠાણ માટે જૂની ઢબના મકાન ગાયબ થવા લાગતા ચકલીઓ પણ ઘર આંગણેથી દૂર થવા લાગી છે. જૂની ઢબનો નળિયાવાળા મકાનમાં મકાનની દિવાલની તિરાડોમાં અથવા મકાનની બહાર કાઢવામાં આવતી છાજલીઓમાં માળા બનાવતી ચકલીઓને હાલમાં પાકા મકાનમાં માળા બનાવવાની જગ્યાના અભાવે ચકલીઓ ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી ગાયબ થઈ રહી છે.