નિક્કી અને તેની બહેન કંચન બન્નેના લગ્ન બે ભાઇઓ વિપિન અને રોહિત સાથે વર્ષ ૨૦૧૬માં થયા હતા, જોકે હાલ નિક્કી આ દુનિયામાં નથી રહી, દહેજની આગે તેનો જીવ લીધો, જોકે તેની બહેન કંચને મીડિયાને જણાવ્યું હતું કે લગ્નમાં આટલો દહેજ આપ્યો હોવા છતા સાસરીયાવાળાએ લગ્ન બાદ પણ દહેજનું દબાણ શરૂ રાખ્યું, અને વધુ ૩૬ લાખ રૂપિયા માગ્યા.
આ માગણી પુરી થઇ શકે તેમ ના હોવાથી નિક્કી સાથે મારપીટ શરૂ થઇ ગઇ. નિક્કી સાથે તેનો પતિ અને સાસુ બન્ને મારપીટ કરી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. નિક્કીને એક દિવસ એટલો ઢોર માર મારવામાં આવ્યો કે તે બેભાન થઇ ગઇ બાદમાં તેના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી દેવાઇ, પાડોશીઓએ નિક્કીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી જોકે તેણે રસ્તામાં જ જીવ ગુમાવી દીધો હતો.
નિક્કીના પિતાએ માગણી કરી હતી કે વિપિનનું એન્કાઉન્ટર થવું જોઇએ, તેમની આ માગણી વચ્ચે સ્થાનિક પોલીસ અને વિપિન વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં વિપિનને પગમાં ગોળી વાગી હતી. પોલીસે હાલ તેની ધરપકડ કરી લીધી છે.
જે બાદ પીડિત નિક્કીના પિતાએ કહ્યું હતું કે મારી પુત્રીનો પતિ રાક્ષસ નિકળ્યો, તેની માતા પણ આ સમગ્ર કાવતરામાં સામેલ છે.
માતાની ફરજ છે કે તે પોતાના પુત્રને શિક્ષિત કરે અને અનુશાસન શીખવે જોકે તેના બદલે આ માતાએ પોતાના પુત્રને પત્ની પર અત્યાચાર કરવાનું શીખડાવ્યું, નિક્કી પર વિપિનની માતાએ જ કેરોસીન છાંટયું હતું, બાદમાં વિપિને તેને આગ લગાવી દીધી હતી.
બીજી તરફ નિક્કીના મોત પર તેના પતિ અને હત્યાના આરોપી વિપિનને કોઇ જ અફસોસ નથી, પોલીસે પગમાં ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મને કોઇ જ અફસોસ નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, મે તેની હત્યા નથી કરી.
