કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ

Latest News કાયદો ગુજરાત

સરકાર હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જમીન બારોબાર વેચાઈ જવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષ ૧૯૭૯-૮૦માં સિંચાઈ વિભાગ માટે સંપાદિત થયેલી આ જમીન સરકારી દફતરે ચઢાવવામાં તંત્રની ગંભીર બેદરકારી રહેતા મૂળ માલિકોના વારસદારોએ અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમાં બેદરકારી બદલ વાંઠવાળીના તલાટી કમ મંત્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

વાંઠવાળી ગામના બ્લોક નંબર ૮૩૬ અને ૮૪૫ વાળી જમીનો વર્ષ ૧૯૭૯માં સિંચાઈ વિભાગની સેક્શન કોલોની બનાવવા માટે વળતર ચૂકવીને સંપાદિત કરવામાં આવી હતી. આ જમીન પર વર્ષોથી સરકારી મકાનો અને કંપાઉન્ડ વોલ પણ અસ્તિત્વમાં હતી. જોકે, સંપાદન થયાના દાયકાઓ બાદ પણ મહેસૂલી રેકર્ડ પર સરકારનું નામ દાખલ કરવામાં આવ્યું નહોતું. આ ક્ષતિનો લાભ ઉઠાવી મૂળ માલિકના વારસદારોએ જમીન પોતાની હોવાનું જણાવી વારસાધારા મુજબ નામ દાખલ કરાવ્યા હતા. ત્યારબાદ આ જમીન અન્ય ખાનગી વ્યક્તિને વેચી દેવા માટે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ પણ કરી દેવાયા હતા. આટલું જ નહીં, જમીન પચાવી પાડવા માટે ત્યાં રહેલા સરકારી જર્જરિત મકાનો અને દીવાલો પણ તોડી પાડી સરકારી મિલકતને આથક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં કેશરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક આશિષ પટેલની ભૂમિકા માસ્ટર માઈન્ડ તરીકેની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તપાસના અંતે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા આ જમીન પ્રકરણમાં વાંઠવાળીના તલાટી નીતિન હથિવાલાને કોઈપણ નોટિસ વગર સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા કર્મચારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.