દિવાળીનો તહેવાર સાથે લોકો ગુલાબી ઠંડી પાડવાની રાહ જોઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં પણ દિવાળી પહેલા વરસાદ પડવાની શક્યતા છે, હવામાન વિભાગના જણવ્યા મુજબ ૧૫ ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૫ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ દક્ષિણપશ્ચિમ ચોમાસુ સમાપ્ત થઇ ગયું છે, પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેસર એરિયાને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે વિદર્ભ અને મરાઠવાડામાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે લણણી માટે તૈયાર પાકને નુકસાન પહોંચ્યું હતું. હવે ફરીથી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈમાં ગુરુવાર અને શુક્રવારે મધ્યમ વરસાદ પડી શકે છે. શનિવારે વાદળો હટી જશે અને રવિવારે ફરી સ્વચ્છ હવામાન જોવા મળશે.
અઠવાડિયા દરમિયાન શહેરમાં તાપમાન ૨૫°C અને ૩૨°C વચ્ચે રહેશે. વરસાદ દરમિયાન ભેજનું સ્તર થોડું વધારે રેહી શકે છે, વરસાદને કારણે પ્રદુષણના સ્તરમાં ઘટાડો થશે.
