અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનું રવિશંકર રાવળ કલાભવન આજે સરકારી તંત્રની ઉદાસીનતા અને આયોજનના અભાવનું જીવંત ઉદાહરણ બની ગયું છે. એક સમયે કલાકારોના સર્જન, પ્રદર્શનો અને કલાપ્રવૃત્તિઓથી ધમધમતું આ ભવન છેલ્લા 3 કરતાં વધુ વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે. છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી ઈમારતની બહાર ‘આ બિલ્ડિંગ ભયગ્રસ્ત છે’ તેવી તકતી લગાવીને કલાકારો અને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જોખમી જાહેર કરાયેલી આ ઇમારતને તોડી પાડવાની (ડિમોલિશન) કામગીરી પણ હજુ સુધી શરૂ કરાઈ નથી.
આ સમગ્ર આયોજનમાં સૌથી ગંભીર પ્રશ્ન એ ઊભો થયો છે કે કોવિડ પહેલાં આ જ ભવનની આર્ટ ગેલેરીઓનું 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. જો ઇમારત પહેલેથી જ જર્જરિત હતી અને તેને તોડીને નવી બનાવવાની યોજના હતી, તો પછી રિનોવેશન પાછળ આટલી મોટી રકમ શા માટે ખર્ચવામાં આવી? શું તે સમયે ભવનની જર્જરિત સ્થિતિની જાણ નહોતી? અને જો જાણ હતી, તો 2.5 કરોડના આ ખર્ચની જવાબદારી કોની? આ મુદ્દે કલાકારોમાં ચર્ચા છે.
આ અંગે વાત કરતાં લલિતકલા અકાદમીના સચિવ મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કલાગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી 1961થી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી કાર્યરત છે, જેના અંતર્ગત ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક આર્ટ અને ફોટોગ્રાફી સહિતની કલાઓને પ્રોત્સાહન અપાય છે. અકાદમીનું બિલ્ડિંગ જર્જરિત થતાં 96 કરોડના ખર્ચે નવું આઈકોનિક બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. હાલમાં બિલ્ડિંગનો કાચો પ્લાન તૈયાર છે, પરંતુ કોર ડિઝાઈન અને બહારના દેખાવની ડિઝાઈનનું કામ બાકી છે. હાલની ઇમારત તોડીને નવું ભવન આકાર પામશે, જોકે તે ક્યારે બનીને તૈયાર થશે તે હાલ નક્કી નથી.
સરકારના દાવા મુજબ, નવું બનનારું 14 માળનું આઈકોનિક ભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઊભી કરાશે:
જોકે, કલાકારો માટે મુખ્ય મુદ્દો માત્ર નવું બિલ્ડિંગ બનાવવાનો નથી, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેમના જ શહેરમાં મળતું કલામંચ છીનવાઈ ગયું છે તેની પીડા વધુ ગંભીર છે.
