જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામે ખેતરમાં મગફળી કાઢવાનું કામ કરતી વખતે હલર મશીનમાં સાડીનો છેડો આવી જતાં 54 વર્ષીય મહિલાનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.
બનાવની વિગત મુજબ હડીયાણા ગામના કમલાબેન ગણેશભાઈ સોનગરા (ઉ.વ.54) ગત તા. 11ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યે પોતાના ખેતરમાં હલર મશીન દ્વારા મગફળી કાઢવાનું કામ કરી રહ્યાં હતાં. દરમિયાન અચાનક તેમની સાડીનો છેડો હલર મશીનમાં આવી જતાં તેમનું માથું મશીન સાથે અથડાયું હતું. જેના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે જાંબુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર માવજીભાઈ સોનગરાએ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેતી કામ દરમિયાન હલર મશીનમાં સાડીનો છેડો આવી જતાં મહિલાનું કરુણ મૃત્યુ
