જામનગરમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

જામનગરમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

જામનગર શહેરમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના મુખ્ય બજાર વિસ્તારોમાં લોકોની અવરજવર વધી છે. આ વિસ્તારમાં રેકડી અને પથારા પાથરીને બેસી જતા ધંધાર્થીઓના કારણે રસ્તા પર દબાણ વધતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. દરમિયાન ગઈકાલે મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારી પર થયેલા હુમલાના બનાવ બાદ મનપાનું તંત્ર કડક બન્યું છે અને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા સહિતના તમામ દબાણ નિરીક્ષકો અને 35થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. રસ્તા પર અડચણરૂપ બનતી રેકડીઓ, પથારાં, પૂતળાં, શાકભાજીનાં કેરેટ, છત્રી-કાંટા તથા અન્ય સામગ્રી હટાવી જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 13થી વધુ રેકડીઓ, એક કેબિન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલી સામગ્રી બે મોટા ટ્રેક્ટર ભરીને મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જઈ જમા કરાવવામાં આવી હતી.

દિવાળીના તહેવારના ટાણે જ મનપાની એસ્ટેટ શાખાએ હાથ ધરેલી આ કડક કાર્યવાહીથી રસ્તા પર પથારા પાથરીને ધંધો કરતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ગઈકાલના હુમલાના બનાવ બાદ મનપા તંત્રએ દબાણો સામે કડક વલણ અપનાવતાં બજાર વિસ્તારમાં આ ઝુંબેશની ખાસ ચર્ચા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...