સમાધાન કરાવવા બાબતે યુવક પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

સમાધાન કરાવવા બાબતે યુવક પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા બિલડી ગામે સમાધાનની વાત કરવા બાબતે ખીજાઈને એક યુવક પર છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, બિલડી ગામે રહેતા યોગેશભાઈ મગનભાઈ બારૈયા ગત તારીખ ૦૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે બિલડી ગામના ઝાપા પાસે પાણીના ટાંકા નજીક બેઠા હતા. તે દરમિયાન ત્યાં હાજર રહેલ સાગર હકાભાઈ ધૂંધળવાને તેઓ સમજાવતા હતા કે સંજય કવાડ સાથે તમારે મામા-ફોઈના ભાઈઓ થતા હોવાથી ઝઘડો ન કરાય અને સમાધાન કરી લેવાય. આ વાત સાગરને પસંદ ન આવતા તેઓએ બોલાચાલી કરી પોતાના અન્ય સાગરિતોને બોલાવી લીધા હતા.થોડીવારમાં જ વિજય ભરતભાઈ ધૂંધળવા, વિક્રમ જોરુભાઈ ધૂંધળવા, શંકર જોરુભાઈ ધૂંધળવા, આકાશ ભરતભાઈ ધૂંધળવા અને શિવા ચુડાસમા ત્યાં આવી પહોંચ્યા હતા.

તમામ શખ્સે યોગેશભાઇને ગાળો આપી સાગરએ લોખંડના પાઈપથી તથા વિજયએ છરી વડે ડાબા હાથની કોણી અને પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. તેમજ અન્ય શખ્સે લાકડાના ધોકા તથા મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબા હાથની કોણીના ભાગે ચાર-પાંચ ટાંકા આવ્યા છે અને સારવાર ચાલુ છે. આ બનાવ અંગે પોલીસે છ શખ્સો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...