બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન તેમણે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની સરખામણી કરી હતી. આ સરખામણી કરતી વખતે તેમણે જે ભાષા અને શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેને લઈને સનાતનીઓ અને યાદવ સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતાં આઝાદ સમાજ પાર્ટીના નેતા દામોદર યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નિવેદન આપીને તેમની કથાઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
ભગવાન શ્રીકૃષ્ણની મજાક ઉડાવતા હોબાળો, VIDEO વાઇરલ, કથા બહિષ્કારની માગ
કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હસતાં હસતાં કહ્યું હતું કે, ‘તમે તમારાવાળા ઠાકુરજીનો (ભગવાન કૃષ્ણની) કોઈપણ ફોટો જોઈ લો, તેઓ ઊભા રહે છે તો પણ ત્રણ જગ્યાએથી વાંકા હોય છે.’ તેમણે પોતે ડોક ત્રાંસી કરીને અભિનય કરતા કહ્યું કે, ‘પગ પર પગ, કમર લચકાવીને અને ડોક ત્રાંસી કરીને વાંસળી વગાડી રહ્યા છે. જ્યારે અમારાવાળા (ભગવાન રામ) ઊભા પણ સીધા રહે છે, તેમનું નામ પણ સીધું છે, ચાલ પણ સીધી છે અને દેખાય છે પણ સીધા.’ આ ઉપરાંત તેમણે વૃંદાવન ધામને પણ ત્રાંસું ગણાવ્યું હોવાનો આક્ષેપ છે.
