અમદાવાદના જગતપુરમાં સગીરાની છેડતીની ઘટનાને પગલે બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. છેડતી અંગે રજૂઆત કરવા ગયેલા સગીરાના માતા-પિતા પર સામે પક્ષે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પિતા પર છરી વડે હુમલો કરાયો હતો અને માતાની આંખમાં મરચાંની ભૂકી છાંટી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બનાવ સમયે બાળકીની માતાએ ફોન કરતાં તેના પિતા તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. પતિ-પત્ની બંને સોસાયટીમાં નીચે ઉભા હતા ત્યારે રૂષભ, નકુલ અને તેની માતા ચંદા ચૌહાણ ત્યાં આવી પહોંચ્યા હતા. ચંદાએ ‘મારા દીકરાઓને કેમ ખોટી રીતે બદનામ કરો છો’ તેમ કહીને ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. તકરાર વધતાં ચંદાએ પોતાની પાસે રહેલી મરચાંની ભૂકી સગીરાની માતાની આંખોમાં છાંટી દીધી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા રૂષભે તીક્ષ્ણ છરી વડે સગીરાના પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. રસ્તા પર બૂમાબૂમ અને હોબાળો મચતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને પરિસ્થિતિ થાળે પાડી હતી.
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે છેડતી, પોક્સો એક્ટ (POCSO Act) તેમજ જીવલેણ હુમલો કરવા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ નકુલ, રૂષભ અને તેની માતા ચંદા ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની ધડપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
