ટ્રેનની અવરજવર દરમિયાન રેલવે ફાટક બંધ થતાં વાહનચાલકોને થતી હાલાકી દૂર કરવા અને અકસ્માતનું જોખમ ઘટાડવા સરકાર દેશભરમાં રેલવે લાઇનોને ફાટકમુક્ત બનાવવા માગે છે. આ માટે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાનું આયોજન છે. પરંતુ અમદાવાદ શહેરમાં જ આ યોજનાને મોટો પડકાર નડી રહ્યો છે. શહેરનાં 9 જેટલાં રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા માટે રસ્તા સાંકડા હોવા, પૂરતી જગ્યા ન મળવી, ભૂગર્ભમાં યુટિલિટી લાઇનો અને ઉપર મેટ્રો કોરિડોર હોવા જેવી સમસ્યાઓ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ કારણોસર કેટલાક સ્થળે બ્રિજ બનાવવાની શક્યતા સામે વાંધો દર્શાવ્યો છે.
રેલવે દ્વારા વિવિધ ક્રોસિંગ પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત સત્તામંડળોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, કેટલાક સ્થળે ટીપી રોડ સાંકડા છે અને બ્રિજ સુધી પહોંચવા માટેના એપ્રોચ રોડ બનાવવા પૂરતી જગ્યા નથી. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભમાં પાણી, ગટર સહિતની યુટિલિટી લાઇનો છે, જ્યારે ઉપર મેટ્રો કોરિડોર હોવાથી પણ બ્રિજ બનાવવામાં મુશ્કેલી છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, સંબંધિત સત્તામંડળો તરફથી યોગ્ય પ્રતિસાદ અને મંજૂરી મળ્યા બાદ બ્રિજ બનાવવાની કામગીરી આગળ વધી શકે છે.
અમદાવાદ-વડોદરા રેલવે સેક્શનમાં આવેલા એલસી-308 મણિનગર ક્રોસિંગ અને એલસી-305 વટવા-વિંઝોલ ક્રોસિંગ પર ટ્રેનોની સાથે વાહનોની અવરજવર પણ વધુ રહે છે. ફાટક બંધ થતાં વાહનચાલકોને રાહ જોવી પડે છે. આ બંને સ્થળે ઓવરબ્રિજ બનાવવાની ખુબજ જરૂરિયાત હોવા છતાં, સાંકડા રોડ અને પૂરતી જગ્યા ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
સાબરમતી-બોટાદ રેલવે સેક્શનમાં અમદાવાદ શહેરના વિસ્તારમાં આવેલા પાંચ ક્રોસિંગ પર પણ બ્રિજ બનાવવાની યોજના મુશ્કેલીમાં છે. તેમાં એલસી-8 વિજયનગર, એલસી-9 સંઘવી હાઈસ્કૂલ, એલસી-10 નારણપુરા, એલસી-12 નવરંગપુરા અને એલસી-18 ભુદરપુરા ક્રોસિંગનો સમાવેશ થાય છે.આ તમામ સ્થળે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટે રેલવે દ્વારા પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે. જોકે, યોગ્ય પ્રતિસાદ ન મળતાં યોજના આગળ વધી શકી નથી. આ વિસ્તારોમાં રસ્તા સાંકડા હોવાની સાથે ભૂગર્ભમાં યુટિલિટી લાઇનો વધુ હોવાથી અંડરબ્રિજ બનાવવો મુશ્કેલ છે. બીજી તરફ, ઉપર મેટ્રો કોરિડોર હોવાથી ઓવરબ્રિજ બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદને ફાટકમુક્ત બનાવવાની યોજના પાછળ ટ્રેનોની અવરજવરમાં અવરોધ ઘટાડવા, વાહનચાલકોનો સમય બચાવવા અને રેલવે ક્રોસિંગ પર સુરક્ષા વધારવાનો હેતુ છે. પરંતુ શહેરનાં 9 ક્રોસિંગ પર બ્રિજ બનાવવામાં જગ્યા અને માળખાકીય મર્યાદાઓ નડતરરૂપ બની છે. મણિનગર અને વટવા-વિંઝોલમાં રેલવે દ્વારા બ્રિજ માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે, જ્યારે અન્ય સ્થળે પ્રસ્તાવ આગળ વધે તે માટે સંબંધિત સત્તામંડળોની સંમતિ જરૂરી છે. હવે આ ક્રોસિંગ પર ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે છે તે જોવાનું રહેશે.
