સૌરાષ્ટ્રમાં હજુ સુધી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ દુષ્કાળના દારુણ અને કરુણ દ્રશ્યો હવે સામે આવવા લાગ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ પાસે આવેલા સદ્ભાવના બળદ આશ્રમે ખેડૂતો ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે પોતાની આજીવિકાનું સાધન એવા 6000 જેટલા બળદોને છોડી ગયા છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ખેતીવાડી નિષ્ફળ ગઈ છે, રવિ સીઝન લેવાની કોઈ આશા નથી અને ઘાસચારા તેમજ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે.
બળદને રોજ સરેરાશ 25 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. લીલા ઘાસનો ભાવ પ્રતિ 20 કિલો (મણ)નો રૂ. 60થી વધીને હવે બમણો એટલે કે રૂ. 120થી 130 સુધી પહોંચી ગયો છે. આશ્રમમાં 125 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે અને અહીં દરરોજ ઘાસચારા પાછળ આશરે રૂ. 12,00,000નો ખર્ચ થાય છે. સંસ્થા દાતાઓ પાસે રોકડ ડોનેશનને બદલે સીધો ઘાસચારો આપવાની અપીલ કરે છે. આ ઉપરાંત, 8000 જેટલા બળદો માટે જમીનના તળમાં પાણી પૂરતું ન હોવાથી રોજ 8થી 10 ટેન્કરો દ્વારા અવેડાં ભરવા પડી રહ્યા છે.
સદ્ભાવના બળદ આશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે હાલ કાલાવડ રોડ પર આવેલી 30 એકર જમીન બળદોથી ફૂલ થઈ જતાં નવા બળદો સ્વીકારવાનું થોડા દિવસ મોકૂફ રખાયું છે. પરંતુ ટૂંક સમયમાં જ બીજી 120 વીઘા જમીનની વ્યવસ્થા કરીને નવો બળદ આશ્રમ શરૂ કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ઉનાળા સુધીમાં 75000થી 1,00,000 બળદો આશ્રમે છોડવામાં આવે તેવો અંદાજ છે. સંચાલકોએ સંકલ્પ વ્યક્ત કર્યો છે કે તેઓ એકપણ બળદને રસ્તા પર રખડવા કે કતલખાને ધકેલાવા નહીં દે.
