કમિશનર અને લેબર ઓફિસરને જેલમાં ધકેલાયા

કમિશનર અને લેબર ઓફિસરને જેલમાં ધકેલાયા

700 કામદારોનું લાયસન્સ કઢાવવા માટે વડોદરાની શ્રમ આયુક્ત કચેરીમાં અરજી કરવામાં આવતા લાયન્સ આપવાના બદલામાં મદદનીશ શ્રમ આયુક્તે રૂ..70000ની લાંચની માગણી કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને લાંચ કેસમાં આસિસ્ટન્ટ કમિશનર અને લેબર ઓફિસરની ધરપકડ કરી હતી. આજે આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે બન્ને આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે  700 કામદારોનું લાઈસન્સ કઢાવવા વડોદરાની નાયબ શ્રમ આયુક્ત કચેરી ખાતે અરજી કરી હતી. લેબર્સ લાયસન્સ આપવાના બદલામાં મદદનીશ શ્રમ આયુક્ત દીપકકુમાર ચૌહાણે રૂ.70000ની લાંચની માગણી કરી હતી. એસીબીએ આ અંગે છટકુ ગોઠવી ગઇકાલે દીપકકુમાર ચૌહાણની સૂચનાથી મદદનીશ સરકારી શ્રમ અધિકારી રણજીતસિંહ જાદવે રૂ.. 70000ની લાંચ લેતા એસીબીએ બંનેને ઝડપી પાડયા હતા.

આજે એસીબીએ આ  બન્ને આરોપી દીપકકુમાર અંબાલાલ ચૌહાણ (રહે.બી-32, સિદ્ધેશ્વર  હિલેરીયસ, મોટનાથ મંદિર પાસે, હરણી, વડોદરા) અને રણજીતસિંહ નટવરસિંહ જાદવ (રહે. 891, અક્ષરસીટી, કપુરાઇ ચોકડી, ડભોઇ રોડ, કેલનપુર, વડોદરા)ને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, લાંચની રકમ  બીજા કોને કોને આપવાની હતી.  બંને અધિકારીઓ એક જ ઓફિસમાં કામ કરતા હોવાથી અગાઉ આ પ્રકારના લાંચના કેટલા ગુનામાં સંડોવાયેલા છે તેની તપાસ કરવાની છે.

જો કે, ન્યાયાધીશે  બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બંને આરોપીઓના રિમાન્ડ ના મંજૂર કરી તેમને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ, લાંચ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસીબીની ટીમે બંને આરોપીઓના ઘરે આજે સર્ચ કર્યું હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...