સેવા સંકલ્પ અભિયાન’: ઇડરના ઉમેદગઢ ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

સેવા સંકલ્પ અભિયાન’: ઇડરના ઉમેદગઢ ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા સ્થિત શ્રી સી. જી. મહેતા વિદ્યામંદિર, ઉમેદગઢ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી યોજાયેલી બાઈક યાત્રા આવી પહોંચતા તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે  બાઈક યાત્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ  અવસરે સમગ્ર દેશમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’નો નવો ઉદ્દેશ્ય ચરિતાર્થ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ પ્રજાભિમુખ નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ થકી સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડીને અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વડાપ્રધાનશ્રીના આદર્શ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ ‘વિકસિત ભારત’ અને  ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાનો જે મહાસંકલ્પ લેવાયો છે, તેને સાકાર કરવામાં આ પ્રકારની સેવાકીય યાત્રાઓ અને રાષ્ટ્રહિતના જનજાગૃતિ અભિયાનો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

મંત્રીશ્રીએ વારાણસીથી વડનગર સુધીની આ પ્રેરણાદાયી બાઈક યાત્રાના તમામ સભ્યોના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સશક્ત સંદેશ ફેલાવી નાગરિકોમાં નવી ઊર્જાનો સંચાર કરવાનું કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે ઈડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ વારાણસીથી વડનગર સુધીની આ યાત્રાના ઉદ્દેશ્યને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાઈક યાત્રા દેશભરમાં પર્યાવરણ જતન માટે ‘એક પેડ મા કે નામ’ અને ‘સ્વચ્છતા અભિયાન’ જેવા રાષ્ટ્રહિતના મહત્ત્વના સંદેશાઓને જન-જન સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ઈડર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સી. જી. મહેતા વિદ્યામંદિરના આચાર્યશ્રી ભાનુભાઈ પટેલ, અગ્રણીશ્રી પ્રેમલભાઈ દેસાઈ સહિત  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...