ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને ટીમ્બર વુડના બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ આરોપીએ ૧૮.૮૭ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી પાટીદાર પાર્ક સોસાયટીમાં રહેતા અને ટીમ્બર વુડનો બિઝનેસ કરતા પથિક કિશોરભાઇ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ મારા મોબાઇલ પર કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકનો કર્મચારી સીતારામ સૈની હોવાનું જણાવી મારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે મને વોટ્સએપ પર એક લિંક મોકલી હતી અને તેના પર ક્લિક કરીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની પ્રક્રિયા કરવા જણાવ્યું હતું.
થોડા સમય બાદ મારા વોટ્સએપ પર રૃપિયા ૪,૫૦૦ની કેશબેક ઓફર મળવાની વાત કરતો મેસેજ આવ્યો હતો. તેમાં મોકલેલી લિંક ખોલતાં એક્સિસ બેંક જેવું પેજ ખુલ્યું હતું. મેં ક્રેડિટ કાર્ડના ઓપ્શનમાં જઇને યસ લખ્યું હતું. બીજા દિવસે તા. ૧ લી ઓગસ્ટે સવારે ફરીથી સીતારામ સૈનીનો કોલ આવ્યો હતો. ત્યારબાદ ફોન કરનારે મારા ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી વધારવી છે તેવું પૂછતાં મેં ૨ લાખ સુધીની લિમિટ રાખવા જણાવ્યું હતું.
ત્યારબાદ તેણે મારા ડેબિટ કાર્ડની વિગતો માંગી હતી. મેં તેને ડેબિટ કાર્ડની માહિતી આપી હતી. વેરિફિકેશનના બહાને મારા મોબાઇલ પર આવેલા ઓટીપી પણ મેં તેને આપી દીધા હતા. ત્યારબાદ તા.૦૧/૦૮/૨૦૨૬ થી તા.૦૬/૦૮/૨૦૨૬ દરમિયાન મારા ખાતામાંથી મારી જાણ બહાર અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૃ.૧૮,૮૭,૫૧૩ ઉપાડી લેવામાં આવ્યા હોવાનું મને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મારી જાણ બહાર બે એફ.ડી. પણ તોડી નાખવામાં આવી હતી.
