શિવસ્થાનો થકી 775 કરોડનું રીલિજિયસ ટુરિઝમ, ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર

શિવસ્થાનો થકી 775 કરોડનું રીલિજિયસ ટુરિઝમ, ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં શિવભક્તિની ભારે લહેર જોવા મળે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર સહિતના પ્રાચીન શિવાલયોમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ધાર્મિક આસ્થાની સાથે જ સૌરાષ્ટ્રના અર્થકારણમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. એક આંકડા મુજબ, આ એક જ મહિનામાં અહીં ₹750 કરોડથી ₹775 કરોડ સુધીનું ‘રીલિજિયસ ટુરીઝમ’ નોંધાય છે, જેના કારણે સ્થાનિક નાના-મોટા વેપારીઓને આખા વર્ષ (6થી 12 મહિના) જેટલી કમાણી થઈ જાય છે.

સામાન્ય દિવસોમાં સોમનાથ મંદિરે રોજ 10 હજાર ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જે શ્રાવણ માસ દરમિયાન વધીને દરરોજ 50 હજાર સુધી પહોંચી જાય છે. શ્રાવણના સોમવારે તેમજ જન્માષ્ટમીના તહેવારે આ સંખ્યા 1થી 1.5 લાખે પહોંચે છે. આ ભીડને કારણે વેરાવળ અને પ્રભાતપાટણની 200થી 300 હોટેલ તેમજ રેસ્ટોરન્ટ્સમાં ₹500 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે. એડવાન્સ બુકિંગ વગર આ સમયમાં ઉતારા કે રૂમ મળવા પણ મુશ્કેલ બની જાય છે.

અહીં પ્રસાદ, ફૂલહાર અને પૂજાપો વેચતા નાના વેપારીઓ પણ શ્રાવણ મહિનામાં ₹3 લાખથી ₹10 લાખ સુધીની કમાણી કરી લે છે. આ ઉપરાંત, મંદિરના ચોગાનમાં હેન્ડીક્રાફ્ટ વેચતા લોકોનું ટર્નઓવર ₹15 લાખથી ₹25 લાખ સુધી પહોંચી જાય છે. દર્શનાર્થીઓની સંખ્યામાં 5થી 10 ગણો વધારો થવાને કારણે એસ.ટી. બસો, ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેન સહિત પરિવહન ક્ષેત્રે વાહનોનું ટર્નઓવર ₹50 કરોડ સુધી પહોંચે છે.

ઉતારા-ભોજન: ₹550 કરોડ
ફૂડ બિઝનેસ: ₹150 કરોડ
પરિવહન: ₹30 કરોડ
દૂધ, ફળ-ફળાદિ: ₹20 કરોડ
પૂજાપા-પ્રસાદ: ₹10 કરોડ
ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિ: ₹10 કરોડ
ધર્માદો અને ઘાસચારો: ₹05 કરોડ

દ્વારકાથી 18 કિલોમીટર દૂર આવેલું અને 12 જ્યોતિર્લિંગોમાં દસમું સ્થાન ધરાવતું નાગેશ્વર મહાદેવ મંદિર અત્યંત ચમત્કારી અને મોક્ષદાયક માનવામાં આવે છે. અહીં સામાન્ય રીતે રોજ 5થી 6 હજાર ભાવિકો આવે છે. શ્રાવણ માસમાં જ દ્વારકાધીશના જન્મોત્સવ (જન્માષ્ટમી)નો પર્વ પણ આવતો હોવાથી દ્વારકાધીશ મંદિરે દોઢથી બે લાખ ભાવિકો દર્શનનો લહાવો લે છે. શિવ અને કૃષ્ણ ભક્તિના આ ત્રિવેણી સંગમથી સમગ્ર દ્વારકા પંથકના અર્થકારણમાં અનેરો ઉત્સાહ છવાઈ જાય છે.

મધ્ય ગીરના ગાઢ જંગલમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર સામાન્ય દિવસોમાં બંધ રહે છે. જંગલ વિસ્તાર હોવાથી અહીં માત્ર ચોક્કસ દિવસોમાં જ વન વિભાગ દ્વારા પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન આ પવિત્ર મંદિર ભક્તોના દર્શનાર્થે વિશેષ રૂપે ખુલ્લું મુકાય છે.

શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભક્તોની ભીડ રહેતી હોવાથી દૂધ, ફૂલ, પૂજાપો, ફળ અને ઘાસચારાના વ્યવસાયમાં જબરદસ્ત તેજી જોવા મળે છે. આનાથી સ્થાનિક નાના ધંધાર્થીઓ અને પૂજા-વિધિ કરાવતા ભૂદેવોને મોટી રોજગારી મળી રહે છે. આ સિવાય, દેશ-વિદેશમાં પ્રખ્યાત એવી સૌરાષ્ટ્રની ફરાળી વાનગીઓની ખપતમાં પણ પ્રવાસીઓ અને ગ્રાહકોના કારણે મોટો ઉછાળો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...