વડોદરામાં નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.વડોદરા તા.૧૧ ઓકટોબરથી દસ દિવસ માટે ગરબા નગરી બની જશે.વડોદરામાં ૬૦ જેટલા જાહેર ગરબા મહોત્સવો માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ૩૦૦૦ કેવીના કામચલાઉ વીજ જોડાણો આપ્યા છે.
વીજ કંપનીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ ૬૦ પૈકીના ૩૬ ગરબાનું મોટાપાયે આયોજન થયું છે.કારણકે આ ગરબાના વીજ જોડાણની લોડ કેપિસિટી ૨૩૦૦ કેવીની છે.જ્યારે બાકીના નાના ગરબાની ક્ષમતા ૭૦૦ કેવીની છે.એક ઘરના વીજ વપરાશની સરેરાશ ક્ષમતા ૨ કેવીની આસપાસ રહેતી હોય છે.જો આ સરખામણી કરવામાં આવે તો ૧૫૦૦ જેટલા મકાનોના વીજ વપરાશ જેટલી વીજળી ગરબા મહોત્સવોમાં દસ દિવસ માટે વપરાશે.
સૂત્રોનું કહેવું છે કે, હવે મોટા ગરબા મહોત્સવોમાં જનરેટર લગભગ અનિવાર્ય થઈ ગયા છે.શહેરના એક મોટા ગરબાની વીજળી જનરેટર થકી મેળવવામાં આવે છે. માત્ર પાર્કિંગ માટે આયોજકો વીજ જોડાણ મેળવે છે.અન્ય આયોજકો પણ પાર્કિંગ એરિયામાં કે અન્ય ડેકોરેશન માટે જનરેટરનો ઉપયોગ કરતા થઈ ગયા છે.
ગરબા મહોત્સવોના આયોજકો માટે સુરક્ષાની દ્રષ્ટિએ વીજ જોડાણ મેળવવા માટે ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરનું ઈન્સ્પેક્શન અને એનઓસી ફરજિયાત હોય છે.એનઓસી હોય તો જ કામચલાઉ વીજ જોડાણ આપવામાં આવે છે.
