રક્ષાબંધનના દિવસે જ કરુણાંતિકા: બાઈક આડે ગાય આવી જતાં અકસ્માતમાં યુવતીનું મોત

રક્ષાબંધનના દિવસે જ કરુણાંતિકા: બાઈક આડે ગાય આવી જતાં અકસ્માતમાં યુવતીનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિજનો સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ ભાઈઓ સાથે બાઈક પર નીકળેલી 19 વર્ષીય યુવતીનું અકસ્માતમાં કરુણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિ અને પરિવારજનોએ ગઈકાલે (28મી ઓગસ્ટ) રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાત્રિના સમયે પરિવાર સાથે હોટેલમાં ભોજન લીધા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. આ દરમિયાન રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે આહિર સિંહણ રોડ (ધરમપુર) પાસેથી પસાર થતી વખતે અચાનક બાઈક આડે ગાય આવી ચઢી હતી. ગાય સાથે બાઈક ધડાકાભેર ટકરાતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર તેના ભાઈઓ દર્શિલ અને દર્શનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પંચમતીયા પરિવારની દીકરીના અકાળે થયેલા અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરૂણ બનાવને પગલે રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...