પેટ્રોલમાં કેમિકલની ભેળસેળ કરવાનું ષડયંત્ર ખુલ્યું

પેટ્રોલમાં કેમિકલની ભેળસેળ કરવાનું ષડયંત્ર ખુલ્યું

જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલ પંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત પેટ્રોલ પહોંચાડીને આર્થિક લાભ મેળવવાનો તથા ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કરાયાનો ગંભીર મામલો સામે આવતાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે.

પોલીસમાં રાજેશભાઈ સુરેશભાઈ મકવાણા (ઉ.વ. ૪૪) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ મોટી ખાવડી સ્થિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પેટ્રોલ-ડીઝલના પરિવહન માટે અગ્રવાલ રોડ લાઇન્સ નામની કંપનીને અન્ય ખાનગી કંપની દ્વારા જામનગરની કંપનીમાંથી પેટ્રોલનો જથ્થો ભરીને પ્રથમ રાજસ્થાનના માંડાર ખાતે આવેલા જિયો બી.પી. ડેપો અને ત્યાંથી સંબંધિત પેટ્રોલપંપ સુધી પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

જોકે, આ કામગીરી દરમિયાન આરોપીઓએ અન્ય શખ્સો સાથે મળીને પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળ કર્યાનો અને આ ભેળસેળયુક્ત પેટ્રોલ સંબંધિત પેટ્રોલ પંપ સુધી પહોંચાડયો હતો. આમ પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં નહીં પહોંચાડીને આર્થિક લાભ મેળવવી તેમજ ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં દાવદખાન સુજાખાન, (રહે. કોટરા ગામ, તાલુકો શિવ, જિલ્લો બાડમેર, રાજસ્થાન) અને કમરૂદીન હાજીખાન (રહે. કેરલી નાડી, મીઠીબેરી, જિલ્લો બાડમેર, રાજસ્થાન) સહિત તપાસમાં ખૂલે તેવા અન્ય શખ્સો સામે ગુનો નોંધી તપાસ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...