ધારાસભ્યએ ટ્રાફિક સિગ્નલ અને પોલીસકર્મી તહેનાત કરવા માગ કરી

ધારાસભ્યએ ટ્રાફિક સિગ્નલ અને પોલીસકર્મી તહેનાત કરવા માગ કરી

ગઈકાલે (24મી સપ્ટેમ્બર) બપોરે મકરબા ખાતે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન (LC 24) પર નવનિર્મિત ઓવરબ્રિજનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિજ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ વાહનચાલકો માટે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. બ્રિજ કોર્પોરેટ રોડથી 10 મીટરથી પણ ઓછા અંતરે પૂરો થતો હોવાથી ત્યાં સતત ટ્રાફિક જામની સ્થિતિ બને છે. ગઈકાલે સર્જાયેલા કલાકોના જામમાં બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસ પોઈન્ટ મુકવા રજૂઆત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા બ્રિજનો છેડો કોર્પોરેટ રોડના કિનારે જ પૂરો કરી દેવાતાં વાહનોનો ડેડલોક સર્જાઈ રહ્યો છે. બ્રિજ પરથી ઉતરતા વાહનોની સ્પીડ કંટ્રોલ ન થાય તો મોટો અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

આ અંગે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, ‘લોકોના ફીડબેક મળતાં જ મેં કમિશનરને પત્ર લખ્યો છે. બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ટેકનિકલ ચર્ચા કરતા સામે આવ્યું છે કે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સ્પાન મુજબ ત્યાં ચાર રસ્તા આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. જો બ્રિજનો સ્પાન વહેલો ઉતારીએ તો સ્પીડમાં આવતા વાહનો ગબડી પડવાનો ભય રહે છે. વળી, આગળ તુરંત જ બીજા ચાર રસ્તા આવતા હોવાથી અને બ્રિજ લાંબો કરવા માટે આખો કોર્પોરેટ રોડ બંધ કરવો પડે તેમ હોવાથી બ્રિજ લંબાવવો શક્ય નથી. હાલ સ્પીડ બમ્પ અને ટ્રાફિક સિગ્નલ જેવા ઉપાયો કરી ટ્રાફિક હળવો કરાશે. આજે જ તમામ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ પ્રશ્નનો ઉકેલ લવાશે.’

ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, નવનિર્મિત ઓવરબ્રિજ શરૂ થવાથી મકરબા, કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઇવે તરફના વાહનવ્યવહારને સુગમતા મળશે. પરંતુ સ્થળ મુલાકાત દરમિયાન કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે તરફના છેડે વાહનોની ભારે અવરજવરને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેથી જાહેર હિત અને માર્ગ સલામતી માટે બ્રિજના મકરબા તરફના છેડે અને કોર્પોરેટ રોડ તરફ રોજિંદા ધોરણે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવે તથા કોર્પોરેટ રોડ તરફના છેડે તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ ઊભું કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...