એલોપેથી દવા કરતાં હવે લોકોને આયુર્વેદ પર માંડ માંડ ભરોસો બેઠો છે ત્યારે જ રાજ્યસભામાં રજૂ કરાયેલા એક રિપોર્ટે ચિંતા જન્માવી છે તેનું કારણ એછેકે, હવે તો આયુષ દવાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફાર્મા હબ ગણાતાં ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓના કુલ 21 સેમ્પલ ફેલ થયાં છે. આ જોતાં સરકારે આ આયુષ દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વાલિટી જાહેર કરી છે. આમ, આયુષ દવા પણ ભેળસેળ થઈ રહી છે.
રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, દેશમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સૌથી વધુ આયુષ દવાઓ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થઈ છે. સરકારી આંકડા દર્શાવે છે કે જ્યાં સૌથી વધુ દવાઓ બને છે, ત્યાં જ ગુણવત્તાના નિયમોના ધાજીયા ઉડી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ છે જ્યાં સૌથી વધુ 185 દવાઓ અપ્રામાણિક હોવાનું સાબિત થયુ છે. આયુર્વેદના ગઢ ગણાતા ઉત્તરાખંડમાં છેલ્લા 3 વર્ષમાં 155 દવાઓ ટેસ્ટિંગમાં ફેલ થઈ છે જ્યારે વિકાસ અને ફાર્માના રોલ મોડેલ ગણાતા ગુજરાતમાં પણ 21 આયુષ દવાઓ હલકી કક્ષાની અને અસુરક્ષિત સાબિત થઈ છે. ગુણવત્તા વિહોણી આયુષ દવાઓમાં પણ ગુજરાત ટોચના નંબરે રહ્યું છે. મહત્વની વાત એછેકે, મધ્યપ્રદેશ, ઓડિસા, દિલ્હી, કાશ્મીર, મેઘાલય, ગોવા, છત્તીસગઢ, હરિયાણા જેવા રાજ્યોમાં આયુષ દવાનો એકેય સેમ્પલ ફેલ થયુ ન હતું.
