ઘરાકી છે પણ મોંઘવારીએ લોકોની ખરીદશક્તિ ઘટાડી

અમદાવાદ,  દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના બાપુનગર માર્કેટમાં ખરીદદારોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો લોકો દિવાળીની ખરીદી માટે અહીં પહોંચી રહ્યા છે. જોકે, બજારમાં દેખાતી ભીડ વચ્ચે મોંઘવારીની અસર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકોની અવરજવર વધી છે, પરંતુ ખરીદશક્તિ ઘટતાં મોટાભાગના લોકો મર્યાદિત ખરીદી કરી રહ્યા છે.

બાપુનગર માર્કેટ દિવાળીની ખરીદી માટે જાણીતું છે. બપોર બાદ બજારમાં લોકોની ભારે ભીડ જામે છે અને સાંજના સમયે તો પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. તેમ છતાં મોંઘવારીના કારણે લોકો ખરીદી કરતાં પહેલાં અનેક વખત ભાવતાલ કરી રહ્યા છે. ઘણા લોકો બજારમાં વસ્તુઓ પસંદ કરે છે, પરંતુ ભાવ સાંભળ્યા બાદ ખરીદી ટાળી રહ્યા છે.

પરિણામે બજારમાં ભીડ હોવા છતાં વેપારીઓને અપેક્ષા મુજબ ઘરાકી મળી રહી નથી. મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમ વર્ગના પરિવારો પર જોવા મળી રહી છે. લોકો પોતાના માટે કપડાં, ઘરની સજાવટની વસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાનું ટાળી રહ્યા છે. જોકે, બાળકોની દિવાળી ખુશીઓથી ભરેલી રહે તે માટે માતા-પિતા મર્યાદિત બજેટમાં પણ તેમના માટે ખરીદી કરી રહ્યા છે.

ઘણા પરિવારો પોતાની ઈચ્છાઓને બાજુ પર રાખીને માત્ર જરૂરી વસ્તુઓ અને બાળકોની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવા પર ધ્યાન આપી રહ્યા છે. આમ, આ વર્ષે દિવાળીની ખરીદીમાં લોકો ખર્ચ અંગે ખાસ સાવચેતી રાખી રહ્યા છે.

બાપુનગર માર્કેટમાં ખરીદદારોની ભીડ સાથે ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની છે. સાંજના સમયે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર નિયંત્રિત કરવામાં આવતાં આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી જાય છે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અંદરની ગલીઓમાં વાહનો ફસાઈ જતાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પણ હાલાકી ભોગવવી પડે છે. ટ્રાફિક વ્યવસ્થાપન અને પાર્કિંગની યોગ્ય સુવિધા ઊભી કરવાની જરૂરિયાત પણ લોકો અનુભવી રહ્યા છે.

એક તરફ બજારોમાં દિવાળીની રોનક અને ખરીદદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે. બજારમાં લોકોની ભીડ છે, પરંતુ આ ભીડનું ખરીદીમાં રૂપાંતર કેટલું થાય છે તે વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વર્ષે અનેક પરિવારો માટે દિવાળીની ખરીદી ઉત્સાહ કરતાં વધુ બજેટ અને જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવાની કવાયત બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *