રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.
આજકાલ માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની LED હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે. આથી સરકારે હેડલાઈટનું કલર ટેમ્પરેચર મહત્તમ 6500 Kelvin સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ધુમ્મસ, વરસાદ, ખરાબ હવામાન કે અંધારામાં પાછળથી કે બાજુમાંથી આવતા વાહનચાલકોને મોટા વાહનો દૂરથી દેખાઈ શકે તે માટે બસો અને તમામ ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવી ફરજિયાત કરવામાં આવશે.
પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ સ્ટેકહોલ્ડર્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી 30 દિવસની અંદર વાંધા-સૂચનો મંગાવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ મહિનાથી આ નવા નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના છે.
