ગાંજાનો જથ્થો લઈને ડિલિવરી કરવા જઈ રહેલા શખ્સની પોલીસે ધરપકડ કરી

વાપી,  વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના વટાર વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી કરી રૂ. ૩૮.૧૮ લાખની કિંમતના ૧.૦૯૧ કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. મોપેડ પર ગાંજાનો જથ્થો લઈને ડિલિવરી કરવા જઈ રહેલા હિતેશ યાદવની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત મોપેડ, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૩૮.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, વલસાડ ન્ઝ્રમ્ના એએસઆઈ અલ્લારખુ વાનીને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાપીના વટાર વિસ્તારમાં કેશવ કોલોનીની વાડી સામે વોચ ગોઠવી હતી. દરમિયાન એક્ટિવા મોપેડ પર પસાર થઈ રહેલા શંકાસ્પદ યુવકને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે મોપેડચાલકની ઓળખ હિતેશ ઉર્ફે સોનુ ઈન્દ્રરાજ મુન્સી યાદવ (ઉંમર ૨૧ વર્ષ, રહે. વિનાયક રેસિડેન્સી, વાપી) તરીકે કરી હતી. તેની પાસે રહેલી ખભા પર લટકાવેલી બેગની તપાસ કરતાં સફેદ પાવડર ભરેલી કોથળી મળી આવી હતી. હ્લજીન્ની મદદથી તપાસ કરાવતાં આ પદાર્થ હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ૧.૦૯૧ કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ. ૩૮.૧૮ લાખ થાય છે, ઉપરાંત મોપેડ, રૂ. ૨૦,૦૧૦ રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩૮.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા હિતેશ યાદવની પૂછપરછ દરમિયાન તેણે સૂરજ નામના શખ્સના કહેવાથી વટારના ચાર્મી કાંટા નજીકથી ગાંજાનો જથ્થો મેળવ્યો હોવાનું અને અન્ય વ્યક્તિને તેની ડિલિવરી આપવા જઈ રહ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

આ મામલે પોલીસે હિતેશને વાપી ટાઉન પોલીસને સોંપ્યો છે. પોલીસે BNS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો પૂરો પાડનાર સૂરજ સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં માદક દ્રવ્યોની હેરાફેરીના ૫૫ ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં નશીલા પદાર્થોના નેટવર્કને સંપૂર્ણપણે ડામવાનો પડકાર યથાવત્ છે. હવે આ કેસની તપાસમાં ગાંજાના સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ ખુલાસા થવાની શક્્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *