અમદાવાદમાં આગામી તા. 11થી 20 દરમિયાન યોજાનારી નવરાત્રિ અને દશેરાના પર્વને લઈને પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી ગરબાના આયોજકો માટે પોલીસે કુલ 44 નિયમોની યાદી જાહેર કરી છે. જેમાં પરવાનગી માટે 12 નિયમો અને વ્યવસ્થા માટે 32 નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમોનો હેતુ નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જાળવવાનો છે.
પોલીસના જાહેરનામા મુજબ, કોઈપણ આયોજનમાં સત્તાવાર રીતે રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા પછી માઈક ચાલુ રાખી શકાશે નહીં અને નોઈઝ પોલ્યુશનના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્ટ ઝોનમાં માઈક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.
બિનવ્યાવસાયિક એવા સોસાયટીઓ અને શેરી ગરબાઓમાં લાઉડ સ્પીકરની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. દ્વારા આપવામાં આવશે, જે મોટી રાહતની બાબત છે. જ્યારે ટિકિટ કે પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજનો માટે પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ એસીપી (ટ્રાફિક) દ્વારા મંજૂરી અપાશે. શેરી ગરબાઓમાં પોલીસ સાથે સંકલન માટે આયોજકોએ ફરજિયાતપણે બે મેન્ટર નિમવાના રહેશે અને પોલીસ સ્ટેશનમાંથી પણ એક અધિકારી કે કર્મચારીને મેન્ટર તરીકે નિમવામાં આવશે. આ પોલીસ અને પબ્લિક મેન્ટર્સ મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને કેફી દ્રવ્યોના પ્રવેશ પર નજર રાખશે.
ગરબામાં આવનાર તમામ લોકોના ઓળખ પુરાવા મેળવવા અને મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા માટે પોલીસની ‘શી ટીમ’ સાથે સંકલન કરવાનું રહેશે. આ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારની તમામ વિગતો આપવાની રહેશે અને સાઉન્ડ સંબંધી કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી આયોજકો અને સિસ્ટમ માલિકોની રહેશે.
ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા માટે ગરબા સ્થળની બંને બાજુએ 200 મીટર સુધી ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકની રહેશે. કાર્યક્રમ સ્થળે પૂરતા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવાના રહેશે તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે AI બેઝ્ડ કેમેરા લગાવવાના રહેશે.
ગરબા સ્થળે કેફી દ્રવ્યો (નશો) કરીને કોઈ પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવા પડશે. નશાખોરોને અટકાવી પોલીસને જાણ કરવા માટે બે વ્યક્તિઓ ફરજિયાત નિમવાની રહેશે અને તેમની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી પડશે.
બેગ કે બીજી વસ્તુઓ પ્રવેશદ્વાર ઉપર ટોકન આપી જમા લેવી.
ગરબા સ્થળની ક્ષમતા કરતાં વધુ ટિકિટ, પાસનું વિતરણ ન કરવું તેમજ રમનારાં, જોનારાં વચ્ચે અને એન્ટ્રી માટે બેરીકેડિંગ કરવું.
