10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે છે?

Latest News આરોગ્ય ગુજરાત દેશ

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું.

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474, 2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30% જેટલો વધારો થયો હતો. આમ,   ગર્ભાશયના મુખના કેન્સરના કેસના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડૉક્ટરોના મતે હ્યુમન પેપીલોમા વાઇરસ (એચ.પી.વી.) ખૂબ જ સામાન્ય વાઇરસ છે. 100થી પણ વધારે એચ.પી.વી.ના પ્રકાર શોધાયા છે. એચ.પી.વી.-16, એચ.પી.વી.-18 આ બંને હાઇરિસ્ક પ્રકાર છે. જે 70% સર્વાઇકલ કેન્સરના કારણે હોઇ શકે છે.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 10 હજાર જેટલી મહિલાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% જેટલા કિસ્સામાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસ સામે આવ્યા છે. કેન્સરનું નિદાન થયું તે પૈકી 4% જેટલી મહિલાને અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી જીસીઆરઆઇમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉ. પ્રકાશ પરમારે જણાવ્યું કે, ‘એચ.પી.વી. સામાન્ય વાઈરસ છે. શરીરમાં 6 મહિના પહેલા આ વાઈરસ એક્ટિવ થાય છે.  આ સ્થિતિમાં પેપ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની કેન્સરની શક્યતા ચકાસી શકાય છે. 9થી 14 વર્ષની ઉંમરે રસી આપવામાં આવે તો આ બીમારીથી બચી શકવાની સંભાવના વધી જાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવી 100 બહેનોને આ રસી વિનામૂલ્યે અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *