રાજ્યમાં અવારનવાર ડ્ર્ગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે, ફરી એકવાર અમદાવાદના વાડજ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સના જંગી જથ્થા સાથે પતિ-પત્ની ઝડપાયા છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાડજ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર પાડીને લાખો રૂપિયાના એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસે આવેલી ખત કોલોનીમાં રહેતા મૂળ રાજસ્થાનના કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરી પોતાના મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખીને વેચાણ કરે છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પંચો સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન મકાનમાં હાજર પતિ-પત્નીની એન.ડી.પી.એસ. એક્ટની જોગવાઈઓ મુજબ અંગઝડતી તેમજ મકાનની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આરોપીઓના પેન્ટના ખિસ્સામાંથી તેમજ મકાનમાં રહેલા એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતો દ્વારા ખરાઈ કરવામાં આવતા આ પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૩૫૭ ગ્રામ ૭૫૦ મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩૫,૭૭,૫૦૦ ગણવામાં આવે છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રૂ. ૨૨,૮૦૦ ની રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રિક કાંટો મળીને કુલ રૂ. ૩૬,૪૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપીઓની સઘન પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કના તાર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા તેમના સંબંધી સુભાષ ગોદારા પાસેથી લાવ્યા હતા. વધુમાં જાણવા મળ્યું છે કે વોન્ટેડ આરોપી સુભાષ ગોદારા આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનૌથી લાવ્યો હતો. પકડાયેલ દંપતી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને આ ડ્રગ્સ વેચતું હતું.આમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી શહેરમાં ફેલાતા ડ્રગ્સના કારોબારને ડામી દેવામાં સફળતા મેળવી છે. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
