મુંબઈમા ખાર પોલીસ સ્ટેશનની હદમાં દહેજ માટે ૨૪ વર્ષીય પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાનું નામ નેહા ગુપ્તા છે. તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેણીની ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. ખાર પોલીસે કેસ નોંધ્યો છે અને આ કેસમાં ૬ લોકોની ધરપકડ કરી છે.
એક મરાઠી અખબારમા આવેલ મુજબ ઉત્તર પ્રદેશની રહેવાસી નેહા ગુપ્તા (૨૪) ના લગ્ન ૧૬ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મુંબઈમાં રહેતા ૨૭ વર્ષીય પુરુષ સાથે થયા હતા. તે એક ખાનગી બેંકમાં કામ કરે છે. લગ્ન સમયે નેહાના પિતાએ દહેજ તરીકે ૯ લાખ રૂપિયા રોકડા, સોનાના ઘરેણાં અને ઘરવખરીની વસ્તુઓ આપી હતી. જોકે, લગ્ન પછી, નેહાના સાસરિયાઓ વધુ દહેજની માંગ કરી રહ્યા હતા. તેઓએ આગ્રહ કર્યો હતો કે તે વિદેશથી મોંઘી ટુ-વ્હીલર લાવે. જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું. તેણીએ દહેજ ન આપ્યું હોવાથી, તેના પતિએ છૂટાછેડાની માંગણી કરી. મુશ્કેલી ઓછી ન થતાં, નેહાની માતાએ ૧૮ માર્ચે ખાર પોલીસ સ્ટેશન અને રાજ્ય મહિલા આયોગમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી. આ પછી, જાતિ પંચાયતની બેઠક યોજાઈ. આ બેઠકમાં, તેના સાસરિયાઓએ કહ્યું હતું કે તેઓ નેહાને હેરાન નહીં કરે.
જોકે, પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. એપ્રિલ ૨૦૨૫ માં, નેહા તેના માતાપિતાના ઘરે ગઈ અને ફરિયાદ કરી કે તેના સાસરિયાઓ તેને હેરાન કરી રહ્યા છે. તેણીએ કહ્યું કે તેઓ તેને બહારનું ભોજન ખાવા માટે દબાણ કરી રહ્યા હતા અને પછી તેને ચક્કર આવવા લાગ્યા. ૧૬ ઓક્ટોબરે, નેહાના સાસરિયાઓએ જાણ કરી કે નેહાની તબિયત બગડી ગઈ છે અને તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં તેનું મૃત્યુ થયું. નેહાના પિતાએ પોલીસને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓએ તેને ઝેર આપીને મારી નાખી છે.
આ પ્રક્રિયામાં, ખાર પોલીસે નેહા ગુપ્તાના ૬ સાસરિયાઓ સામે દહેજની માંગણી, ઝેર આપવાનો પ્રયાસ, ધમકી આપવા, શારીરિક ત્રાસ આપવા અને ગુનો કરવાનું કાવતરું ઘડવા બદલ કેસ નોંધ્યો છે.
