કૉમેડિયન કપિલ શર્માને ગૅન્ગસ્ટર રોહિત ગોદરા અને ગૉલ્ડી બ્રારના નામે ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના રહેવાસીની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ હતી. કોર્ટે તેને ૩૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર કપિલ શર્માના પર્સનલ આસિસ્ટન્ટને ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે આરોપીએ કૉલ કર્યા હતા. લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ તેમ જ ગૅન્ગસ્ટર્સ ગોદરા અને બ્રારના નામે ધમકાવીને આરોપીએ એક કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી.
કપિલ શર્માના આસિસ્ટન્ટને આરોપીએ વીડિયો મેસેજીસ પણ મોકલ્યા હતા. આ મેસેજમાં પણ જાનથી મારવાની ધમકી આપી હતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ફરિયાદીને આવેલા કૉલ્સની વિગતો અને. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમે પશ્ચિમ બંગાળ પહોંચી આરોપીને તાબામાં લીધો હતો. મુંબઈ લાવવામાં આવેલા આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.

