ેમુંબઈના કલેકટર દ્રારા છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોની ચિંતા વધી ગઈ છે. વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
લાઉડસ્પીકરની મર્યાદાને કારણે રાતના ૧૦ વાગે રાસ-ગરબાનો કાર્યક્રમ સમાપ્ત કરવો પડે છે અને નોકરીધંધાથી ઘરે પાછા આવનારા લોકો મનભરીને ગરબાની મઝા માણી શકતા નથી. દર વર્ષે રાજ્ય સરકાર બેથી ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી આપતી હોય છે. તે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ દિવસ મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી છે.
મુંબઈ કલેકટરની ઓફિસના સર્ક્યુલર મુજબ નવરાત્રીના સપ્તમી (૨૯ સપ્ટેમ્બર), અષ્ટમી (૩૦ સપ્ટેબર) અને નોમ (પહેલી ઑક્ટોબર)ના આ ત્રણ દિવસ સવારના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યકામ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે. રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા, દાંડિયા રમવાની મંજૂરી આપવામાં આવી છે. છતાં તેમાં અમુક નિયમો અને શરતો રાખવામાં આવી છે.
મંજૂરી મળેલા સમયમાં હાઈ કોર્ટે આપેલા આદેશનું પાલન કરવાનું રહશે. તેમ જ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે. સરકારે જાહેર કરેલા સાઈલેન્ટ ઝોનમાં આ મંજૂરી લાગુ પડશે નહીં.

