૯મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના રહેઠાણએ એનડીએના સાંસદો માટે ડિનરનું આયોજન થયું હતું. જોકે હવે આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. એમ મનાય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એનડીએની એકતા બતાવવા માટે આ ડિનર પાર્ટીનું આયોજન થયું હતું. ડિનર પાર્ટી રદ કરવાનું કારણ એવું અપાય છે કે, ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગંભીર પુર આવ્યા છે. પુરને કારણે પંજાબની હાલત ખૂબ ખરાબ છે. લોકો મુશ્કેલીમાં હોય અને સાંસદો ડિનર પાર્ટીની મઝા માણી રહ્યા હોય એ યોગ્ય લાગે નહીં. થોડા દિવસો પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાના ઘરે પણ ભાજપના નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ભાજપ શાસિત કાનપુર કોર્પોરેશનમાં ‘શીવાલય પાર્ક’ બનાવવાનો પોતાનો પ્રસ્તાવ જ શાસક પક્ષ ભાજપએ રદ કરવો પડયો છે. આ બાબતે વિરોધપક્ષના કોર્પોરેટરોએ નહીં પરંતુ પોતાના પક્ષના કોર્પોરેટરોએ પણ વિરોધ કર્યો હતો. આ શીવાલય પાર્ક ‘બુદ્ધ પાર્ક’ના કમ્પાઉન્ડમાં બનાવવાની યોજના હતી, પરંતુ હવે સમગ્ર પ્રોજેક્ટ જ રદ કરી દેવામાં આવ્યો છે. કાનપુર કોર્પોરેશનના કમિશનર સુધીરકુમારના કહેવા પ્રમાણે શીવાલય પાર્કમાં ભગવાન શીવના ૧૨ જ્યોતિર્લિંગોના દર્શન કરાવવાની યોજના હતી. આ સિવાય અહીંયા મનોરંજન પાર્ક, હેપીનેસ પાર્ક, ફુવારો અને એક બાળકો માટેનો હોલ બનાવવાનું આયોજન પણ થયું હતું. બુદ્ધ પાર્કની સ્થાપના ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતીનું શાસન હતું ત્યારે કરવામાં આવી હતી. બસપા સુપ્રિમો માયાવતી, તેમજ આઝાદ સમાજ પાર્ટી(કાશીરામ)ના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદએ શીવાલય પાર્ક બનાવવાનો વિરોધ કર્યો હતો. છેવટે ભાજપએ દબાણ સામે ઝુકીને પારોઠના પગલા ભરવા પડયા છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના એક વિડિયોની આજકાલ ચર્ચા થઈ રહી છે. આ વિડિયોમાં તેઓ એક મહિલા આઇપીએસ અધિકારી પર ગુસ્સે થતા જોવા મળે છે. કહેવામાં આવે છે કે, ગેરકાયદેસર ખનન વિરુદ્ધ આ આઇપીએસ મહિલા કામ કરી રહ્યા હતા. અજીત પવાર એમને કામ કરતા રોકવા માંગતા હતા. વિડિયો વાયરલ થતા બધા પૂછવા માંડયા હતા કે આ મહિલા આઇપીએસ અધિકારી કોણ છે. આ અધિકારીનું નામ અંજના કૃષ્ણા વી. એસ છે. આ અધિકારી ૨૦૨૨ની બેન્ચના છે અને હમણા કોલ્હાપુર જિલ્લાના કરમાલામાં ડીએસપી તરીકે કામ કરે છે. તેઓ પોતાની આવડત અને પ્રમાણીકતા માટે જાણીતા છે. અંજના કૃષ્ણા કેરળના તિરુવન્તપુરમ તાલુકાના વતની છે. એમના પિતા ટેક્સટાઇલનો ધંધો કરે છે અને માતા કોર્ટમાં ટાઇપીસ્ટ છે.
આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કઈ ખોટુ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જવું અને કોંગ્રેસના મોટા નેતાઓ સામે કેસ દાખલ કરી દેવો. કર્ણાટક ભાજપના આવા જ એક કાર્યકરને ઇડીએ નોટીસ આપીને બોલાવ્યા છે. આ કાર્યકર્તાએ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરીક હોવાનો આક્ષેપ કરીને અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કાર્યકરનું નામ એસ. વિઘ્નેશ શીશીર છે. ઇડીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેમાના કાયદા હેઠળ આ વ્યક્તિને કેટલાક દસ્તાવેજ સાથે હાજર રહેવાનું કહેવાયું છે. આ વ્યક્તિએ વિદેશી ચલણનો દુરઉપયોગ કર્યો છે. આ કાર્યકરે હાઇકોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, એમની પાસે બ્રિટિશ સરકારના કેટલાક દસ્તાવેજ અને ઇમેલ છે જેનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી બ્રિટનના નાગરીક છે.
કેરળના પૂક્કલમના એક મંદિરમાં ઓણમ ઉત્સવ દરમિયાન પુષ્પોથી રંગોળી બનાવવામાં આવી હતી. આ બાબતે આરએસએસના ૨૭ સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંદિર સમિતિએ આક્ષેપ કર્યો છે કે, કેરળ હાઇકોર્ટના હુકમનો અનાદર થવાને કારણે આ સંદર્ભે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે ભાજપએ પોલીસના પગલાની ટીકા કરી છે અને કહ્યું છે કે, મુથુતિલક્કડ સ્થિતિ પાર્થ સારથી મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’ના થીમ પર રંગોળી બનાવવામાં આવી હતી. એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ મંદિરના મુખ્ય રસ્તા પર આરએસએસના ધ્વજનું ચિત્ર દોરીને ફૂલોથી રંગોળી બનાવી હતી. મંદિરના કમ્પાઉન્ડમાં કોઈપણ પ્રકારની સજાવટ કરવા સામે હાઇકોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
મોદી સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યા પછી કેરળ કોંગ્રેસના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર બીડી અને બિહારને સાંકળવાનો પ્રયત્ન કરતી પોસ્ટને કારણે મોટો વિવાદ થયો છે. વિરોધ પક્ષોએ આ પોસ્ટની આકરી ટીકા કરી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે બિહારીઓ નારાજ થાય એ કોંગ્રેસને પોસાય એમ નથી. વિવાદ પછી કોગ્રેેસના સોશ્યલ મીડિયા હેડ વી. ટી. બલરામએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વી. ટી. બલરામ કેરળની તિથલા વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પહેલા આ પદ પર ડો. પી. સરીન હતા. સરીન સીપીઆઇ (એમ)માં જોડાઈ ગયા પછી બલરામને આ હોદ્દો આપવામાં આવ્યો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, બીડી અને બિહાર બંને બીથી શરૂ થાય છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં છે છતાં એની ગેંગ વિશ્વના વિવિધ દેશોમાં હજી પણ સક્રિય છે. લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા રણદીપ માલીકએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, બિશ્નોઇ ગેંગે રોમી અને પ્રિન્સના અડ્ડાઓ પર ફાયરીંગ કરાવ્યું છે. રણદીપ માલીકએ ફાયરીંગનો એક વિડિયો પણ જાહેર કર્યો છે. સોશ્યલ મીડિયા પર એણે લખ્યું છે કે, ‘જય શ્રી રામ, સતશ્રી અકાલ… તમામ ભાઈઓને રામ રામ. આજે ઓડીવેલસ, લીસબન, પોર્ટુગલમાં જે ફાયરીંગ થયું છે એ ફાયરીંગ લોરેન્સ બિશ્નોઇ ગેંગે કરાવ્યું છે. રોમી અને પ્રીન્સ પોર્ટુગલમાં રહીને બે નંબરના કામ કરે છે. તેઓ પોતાના ધંધા બંધ કરી દે. અમે જેને ફોન કર્યો છે એ દુનિયામાં કોઈપણ જગ્યાએ હોય અમારા ફોનને અવગણવાની કોશિષ કરી તો એની ખોપડી પર ગોળી મારવામાં આવશે.’
