મુંબઈ નજીકના કાશીમીરાથી ઝડપાયેલાં ડ્રગની તપાસમાં તેલંગાણા પહોંચેલી મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે હૈદરાબાદ સ્થિત એક સિન્થેટિક ડ્રગ્સ મેન્યુફેકચરીંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. દેશના ઘણા ભાગોમાં કથિત રીતે ડ્રગ્સ સપ્લાઈ કરતા આ યુનિટમાંથી પોલીસે 12 હજાર કરોડ રૂપિયાની ડ્રગ્સ બનાવવાની સામગ્રી જપ્ત કરી 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ડ્રગ વિષયક કેસોમાં આ સૌથી મોટામાં મોટી જપ્તી હોવાનું કહેવાય છે.
આ દરોડા દરમિયાન પોલીસે 5.968 કિલો મેફેડ્રોન, 27 મોબાઈલ ફોન, ત્રણ ફોર વ્હિલર, એક ટુ વ્હિલર, ચાર ઈલેકટ્રોનિક વજન કાંટા અને ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા અન્ય સાધન અને રસાયણો તેમજ ડ્રગ્સ બનાવવા વપરાતી કાચી સામગ્રીઓ પણ જપ્ત કરી હતી. આ બાબતે એમબીવીવીના પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે એક મહિનાથી વધુ સમયથી આ કાર્યવાહી ચાલી રહી હતી જેમાં ડ્રગ નેટવર્કના પર્દાફાશ માટે નોંધપાત્ર પ્રયાસ પોલીસદળે કર્યો હતો. કૌશિકે માધ્યમોને જણાવ્યું હતું કે આ એક નોંધપાત્ર સિધ્ધિ છે કારણ કે સામાન્ય રીતે ફક્ત પેડલર્સ, ફ્રન્ટલાઈન વિતરકો જ પકડાય છે. આ કિસ્સામાં અમે ઉત્પાદકો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા જે બહુ જ જટિલ અને પડકારજનક કામ હતું.
8 ઓગસ્ટના રોજ પોલીસે થાણે જિલ્લાના મીરારોડ પૂર્વમાં કાશીમીરા બસસ્ટોપ નજીકથી 23 વર્ષીય બાંગ્લાદેશી નાગરિક ફાતિમા મુરાદ શેખ ઉર્ફે મોલ્લાને અટકાવી તેની ઝડતી લીધી હતી. આ સમયે તેના પાસેથી 105 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ બાબતની વધુ તપાસમાં અનેક શકમંદો અને પેડલરો પાસેથી મળી કુલ 178 ગ્રામ ડ્રગ્સ અને 23.97 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ બાબતની વધુ પૂછપરછમાં એક મોટી તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ દક્ષિણના તેલંગણા સુધી સપ્લાય ચેઈનને ટ્રેસ કરવામાં આવી હતી.
આ સૂચનાના આધારે એમબીવીવીના પોલીસ ઈન્સ્પેકટર પ્રમોદ બદાબ અને તેમના સેલ- 4ની ટીમ તેલંગણા ગઈ હતી. આ બાબતની વિગતવાર તપાસમાં શ્રીનિવાસ વિજય વોલેટી અને તેના સહયોગી તાનાજી પંઢરીનાથ પટવારીનું નામ સામે આવ્યા બાદ તેમના પર તપાસનું કેન્દ્ર ખસેડવામાંઆવ્યું હતું. આ લોકો કથિત રીતે હૈદરાબાદના ચેરાપલ્લીમાં નવોધ્યા કોલોનીમાં ડ્રગ ઉત્પાદન એકમ ચલાવતા હતા.
શુક્રવારે પાડવામાં આવેલા દરોડામાં આ નેટવર્કમાં સામેલ અન્ય લોકો સાથે કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલાઓમાં સ્થાનિક ફેરિયાઓથી લઈ ઉત્પાદકો સુધીના શંકાસ્પદોનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહી સંગઠિત સિન્થટિક ડ્રગ રેકેટનો સામનો કરવામાં એક મોટી સફળતા દર્શાવે છે. ક્રાઈમ ડિટેકશન યુનિટ (સેલ-4) આ કેસમાં વધુ તપાસ કરી રહ્યું છે અને ભવિષ્યમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.પોલીસે આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા હૈદરાબાદના ચેરાપલ્લી ઔદ્યોગિક વસાહતમાં વાઘદેવી લેબ્સ નામે કાર્યરત એક યુનિટ પર ચાંપતી નજર રાખી હતી. બહારથી તમામ રીતે કાયદેસર લાગતા આ યુનિટમાં મોટાપાયે એમડીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની જાણ થયા બાદ ખબરી નેટવર્ક એક્ટિવેટ કરી તેમને આ ટોળકીમાં ઘુસાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
