મુંબઈમા ગણેશ વિસર્જનના ઉત્સાહ વચ્ચે સાકીનાકા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જન યાત્રા ખૈરાણી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રોલી હાઈ ટેન્શન વાયરથી અથડાઈ ગઈ. એક યુવકનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી. એસજે સ્ટુડિયોની સામે ખૈરાણી રોડ પર હાઈ ટેન્શન વાયરથી એક નાનો વાયર નીચે લટકતો હતો. આ વાયર સીધો વિસર્જન ટ્રોલી સાથે અથડાયો હતો, જેના કારણે પાંચ લોકોને વીજ કરંટ લાગ્યો હતો.
ઘાયલોમાં બિનુ શિવકુમાર (૩૬)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે તુષાર ગુપ્તા (૧૮), ધર્મરાજ ગુપ્તા (૪૪), આરુષ ગુપ્તા (૧૨), શંભુ કામી (૨૦) અને કરણ કનોજિયા (૧૪) ગંભીર રીતે ઘાયલ છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગણેશોત્સવની ઉજવણીના દસ દિવસ પછી, આજે બાપ્પાને વિદાય આપવાનો સમય છે. શનિવાર સવારથી જ મુંબઈ અને રાજ્યભરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ ગઈ હતી. મુંબઈના સાકીનાકા ખૈરાણી રોડ વિસ્તારમાં શ્રી ગજાનન મિત્ર મંડળની ગણેશ વિસર્જન ટ્રોલી શોભાયાત્રામાંથી પસાર થઈ રહી હતી. તે રસ્તા પરથી ટાટા પાવર કંપનીનો 11,000 વોલ્ટનો હાઇ ટેન્શન વાયર પસાર થતો હતો. તે વાયરમાંથી એક નાનો વાયર નીચે લટકતો હતો. આ વાયર સીધો ગણેશ ટ્રોલીને સ્પર્શી ગયો હતો. પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી બિનુ શિવકુમાર (36 વર્ષ)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
